Surendranagar news: લીંબડીમાં લગ્નનો પ્રસંગ શોકમાં ફેરવાયો: મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં હત્યાની બીજી ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ફુલગ્રામમાં પુત્રવધૂ દ્વારા સસરાની હત્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં લીંબડીમાં એક યુવાનની હત્યાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે.
જાણો આખો મામલો
અમદાવાદ શહેરમાં આવેલા વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય દીપકભાઈ સોલંકી પોતાના મામાની દીકરીના લગ્ન હોવાથી ઉત્સાહભેર લીંબડી આવ્યા હતા. લગ્નનો પ્રસંગ હોવાથી પરિવારમાં ખુશીનો માહોલ હતો. રાત્રિના સમયે જમણવાર પૂર્ણ કર્યા બાદ દીપકભાઈ ગામમાં લટાર મારવા નીકળ્યા હતા. આ દરમિયાન અમન ચાવડા નામના શખ્સે તેમની પર હુમલો કર્યો હતો.
ગળાના ભાગે ઝીંક્યા છરીના ઘા
હુમલાખોર અમન ચાવડાએ દીપકભાઈના ગળાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં દીપકભાઈને તાત્કાલિક લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, તેમની સ્થિતિ વધુ નાજુક જણાતા સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી
હત્યાની જાણ થતા જ લીંબડી ડીવાયએસપી (DySP) અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોઈને અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપી અમન ચાવડાની અટકાયત કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા અંગત અદાવતના કારણે થઈ હોવાનું અનુમાન છે.
પરિવારમાં કલ્પાંત
લગ્નના ગીતો ગવાતા હતા ત્યાં હવે મરશિયા સંભળાઈ રહ્યા છે. 27 વર્ષના જુવાનજોધ દીપકના મોતથી સોલંકી પરિવાર પર આભ ફાટી પડ્યું છે. સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે પરિવારજનોની રોકકળથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

