Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gandhinagar: PM Modi will inaugurate 'Samrat Samprati Museum', a confluence of modern and ancient art, on March 31 in Koba

Gandhinagar: કોબામાં 31 માર્ચે PM મોદી આધુનિક અને પ્રાચીન કલાના સંગમ સમાન 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ' ખુલ્લું મૂકશે

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Gandhinagar: કોબામાં 31 માર્ચે PM મોદી આધુનિક અને પ્રાચીન કલાના સંગમ સમાન 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ' ખુલ્લું મૂકશે
સોર્સ : GSTV

Gandhinagar: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વરદ્ હસ્તે, મહાવીર જન્મકલ્યાણકના પાવન દિવસે 31 માર્ચ, 2026ના રોજ ઐતિહાસિક મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવશે. આ મ્યુઝિયમ ભારતની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવાની સાથે-સાથે અહિંસાના શાશ્વત મૂલ્યોની અને સમ્રાટ સંપ્રતિ મહારાજની પ્રેરણાદાયી વિરાસતને પ્રદર્શિત કરશે

App Store

રાજ્યના પાટનગર  ગાંધીનગરના કોબા તીર્થ ખાતે નવ નિર્મિત સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં ભારતીય ભવ્ય સંસ્કૃતિની વિરાસત અને ઐતિહાસિક ધરોહરનો અનોખો સંગમ સર્જાવવા જઈ રહ્યો છે. આ ભવ્ય મ્યુઝિયમનું લોકાર્પણ 31 માર્ચ, 2026ને મંગળવારના રોજ  માનનીય વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીજીના વરદ્ હસ્તે  કરવામાં આવશે. 

આ ઉદ્ઘાટન સમારોહ રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી, ગુજરાતના માનનીય રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી  હર્ષભાઈ સંઘવી, અને  મહાવીર જૈન આરાધના કેન્દ્ર - કોબા તીર્થના પ્રમુખ સુધીર મહેતા તેમજ ભારતભરના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. 

આ મ્યુઝિયમ ઈ.સ.પૂર્વે 224થી 215 દરમિયાન શાસન કરનાર જૈન ધર્મની મહાન વિભૂતિ અને અહિંસાના પ્રચારક, સમ્રાટ અશોકના પૌત્ર એવા સમ્રાટ સંપ્રતિ મહારાજના પ્રેરણાદાયી જીવન અને મૂલ્યોને સમર્પિત છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરનાર આ મ્યુઝિયમ ભાવી પેઢીને માટે પ્રેરણા સ્વરૂપ બની રહેશે.

સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ, જે ટોરેન્ટ ગૃપના યુ.એન.એમ. ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી નિર્માણ પામેલ છે, તેમાં શતાબ્દીઓ જૂના દુર્લભ પ્રાચીન અવશેષો, જૈન કલાકૃતિઓ અને પરંપરાગત વારસાને સાચવીને રાખવામાં આવ્યા છે. અહીં પાષાણ અને ધાતુની મૂર્તિઓ, વિશાળ તીર્થ પટ્ટો, યંત્ર પટ્ટો, લઘુચિત્રો, ચાંદીના રથો અને સિક્કાઓ, પ્રાચીન હસ્તપ્રતો સહિતના ઐતિહાસિક અમૂલ્ય સંગ્રહને સાત ભવ્ય ગેલેરીઓમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે, જે ઈ.સ.પૂર્વે 200ના સમયથી ભારતની આધ્યાત્મિક અને કલાત્મક પરંપરાનો દુર્લભ પરિચય કરાવે છે.

આ મ્યુઝિયમનું નિર્માણ રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવ પદ્મસાગરસૂરીશ્વરજીનું એક જીવન સ્વપ્ન હતું અને તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ અથાગ પ્રયત્નોનું પરિણામ છે. તેઓએ છેલ્લાં છ દાયકામાં ભારત અને નેપાળમાં આશરે બે લાખ કિલોમીટર જેટલી પદયાત્રા કરી છે, જે દરમિયાન તેમણે ભારતના દરેક વિસ્તારમાંથી સંકલિત કરેલા આ અમૂલ્ય સાંસ્કૃતિક અવશેષોને અતિ શ્રદ્ધા અને સંરક્ષણ સાથે અહીં સ્થાન આપવામાં આવ્યું છે. 

આ ઐતિહાસિક મ્યુઝિયમ નિર્માણના સ્વપ્નને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબાના પ્રમુખ શ્રી સુધીર મહેતાએ જણાવ્યું હતું કે, "આ સ્વપ્નને આકાર લેતા જોવું અત્યંત સંતોષદાયક છે. આ મ્યુઝિયમ આપણા સહિયારા વારસાની દીવાદાંડી બનશે અને આવનારી પેઢીઓને ભારતની આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને કળા વિશે ઊંડાણપૂર્વક જાણવાની પ્રેરણા આપશે. આ પવિત્ર કાર્યનો ભાગ બનવા બદલ હું નમ્રતાપૂર્વક ગૌરવ અનુભવું છું.” આ મ્યુઝિયમના નિર્માણ માટે દરેક પ્રકારે સહયોગ આપવાની સાથે-સાથે ટોરેન્ટ ગૃપના યુ.એન.એમ. ફાઉન્ડેશને તેના સંચાલન અને જાળવણીની જવાબદારી પણ સ્વીકારી છે.

સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ ભારતની અનોખી પ્રાચીન પરંપરા અને આધુનિકતાનું અનોખું સંકલન છે. અહીં આધુનિક ઑડિયો-વિઝ્યુઅલ ટેકનોલોજી, આધ્યાત્મિક સંગીત અને ઇમર્સિવ પ્રેઝન્ટેશન્સનો ઉપયોગ કરીને મુલાકાતીઓ, સંશોધકો અને વિદ્વાનો માટે આધુનિક અને સમૃદ્ધ અનુભવનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. તેના દ્રશ્ય અને શ્રાવ્ય વૈભવથી આગળ વધીને, આ મ્યુઝિયમ સમાજને અહિંસા, સંયમ અને કરુણા જેવા શાશ્વત મૂલ્યોનો આધ્યાત્મિક સંદેશ પહોંચાડે છે.

શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થના શાંત અને પવિત્ર પરિસરમાં સ્થિત આ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ જૈન ધર્મના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જીવંત રીતે રજૂ કરે છે. તેની સાત અલગ-અલગ ગેલેરીઓ ભારતની દરેક પરંપરાના જુદાં જુદાં વિશિષ્ટ પાસાઓને સમર્પિત છે, જે મુલાકાતીઓને શતાબ્દીઓથી સંચિત જ્ઞાન અને ધરોહરની વ્યાપક અને પ્રેરણાદાયી સફર કરાવે છે.  

સાત ગેલેરીઓનો પરિચય :
પ્રથમ ગેલેરી : આ ગેલેરી જૈન તત્ત્વજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોનો પ્રભાવશાળી પરિચય આપે છે. અહીં ભગવાન ઋષભદેવ (અયોધ્યામાં જન્મેલા પ્રથમ તીર્થંકર) થી લઈને ભગવાન નેમિનાથ (શૌરીપુરમાં જન્મેલા ૨૨મા તીર્થંકર) સુધીના તમામ તીર્થંકરોના જીવન અને ઉપદેશોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગેલેરીમાં પાંચમી થી પંદરમી સદી સુધીની પ્રાચીન જૈન મૂર્તિઓ, હસ્તપ્રતો અને મહાપુરુષોની કથાને કહેતાં પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

બીજી ગેલેરી : આ ગેલેરી ૨૩મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના જીવન અને તેમની આધ્યાત્મિક પરંપરાને સમર્પિત છે. અહીં ધાતુ અને પાષાણની પ્રાચીન મૂર્તિઓ સાથે ધરણેન્દ્ર-પદ્માવતી જેવા રક્ષણકારી દેવ-દેવીઓની પ્રતિમાઓ અને ચિત્ર પટ્ટો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

ત્રીજી ગેલેરી : આ ગેલેરીમાં ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ૭૨ વર્ષના જીવનપ્રવાસને જન્મથી લઈને નિર્વાણ સુધી અને એ પછીના બારમા સૈકા સુધ ના વારસાને ક્રમબદ્ધ રીતે રજૂ કરવામાં આવ્યો છે. અહીં પાષાણ અને ધાતુની મૂર્તિઓ, યંત્રચિત્રો, નક્શાઓ તથા જૈન આગમ ગ્રંથોની પ્રાચીન હસ્તપ્રતો દ્વારા જ્ઞાનપરંપરાનો પરિચય આપવામાં આવ્યો છે.

ચોથી ગેલેરી : આ ગેલેરી 13મીથી 17મી સદી દરમિયાન વિપરીત સંજોગોમાં પણ વિસ્તરેલા જૈન ધર્મના વિકાસના સુવર્ણયુગને દર્શાવે છે. દુર્લભ હસ્તપ્રતો તથા મુઘલ સમ્રાટ અકબર દ્વારા જૈન આચાર્યજીશ્રીને આપવામાં આવેલ મૂળ મુગલકાલીન ફરમાન (અકબરનું ફરમાન) સહિતના ઐતિહાસિક દસ્તાવેજો ગેલેરીને વિશેષ સમૃદ્ધ બનાવે છે.

પાંચમી ગેલેરી : આ ગેલેરી 18મીથી 20મી સદી દરમિયાનના જૈન કલા સાહિત્ય અને ધાર્મિક પરંપરાનો પરિચય આપે છે. અહીં ચિત્રિત વસ્ત્રો, રજત રથ (ચાંદીનો રથ), જૈન મંદિરો અને સમવસરણના કાષ્ઠ રૂપકો તથા લાકડાના કારીગરીના નમૂનાઓ દ્વારા સાંસ્કૃતિક સમૃદ્ધિનું સુંદર દર્શન થાય છે.

છઠ્ઠી ગેલેરી : આ ગેલેરી ભારતીય સંસ્કૃતિ, કલા અને સ્થાપત્યના વ્યાપક વૈભવને રજૂ કરે છે. અહીં 8મી થી 20મી સદી સુધીના પ્રાચીન સિક્કાઓ, વેદ–પુરાણ–આયુર્વેદના ગ્રંથો તથા પરંપરાગત હસ્તકલા ભારતીય સંસ્કૃતિના વૈભવનું ઉત્તમ પ્રતિનિધિત્વ રજુ કરવામાં આવ્યું છે.

સાતમી ગેલેરી : આ ગેલેરીને આધુનિક સુવિધાઓથી સજ્જ ઓડિટોરિયમ તરીકે વિકસાવવામાં આવી છે. અહીં  શેત્રુંજય ગિરિરાજ, ગિરનાર અને રાણકપુર જૈન મંદિરો જેવા પવિત્ર તીર્થસ્થળોની ડિજિટલ પ્રસ્તુતિઓ શ્રોતાઓને આધ્યાત્મિક ઊંચાઈએ લઈ જશે.

મ્યુઝિયમની મુખ્ય વિશેષતાઓ
સમ્રાટ સંપ્રતિને શ્રદ્ધાંજલિ: સમ્રાટ સંપ્રતિ મહારાજના નામ પરથી આ મ્યુઝિયમનું નામકરણ કરવામાં આવ્યું છે. તેમને કરુણાસભર શાસક, જૈન ધર્મના ચુસ્ત અનુયાયી અને અહિંસાના મહાન પ્રચારક તરીકે યાદ કરવામાં આવે છે.  

અનુભૂતિસભર મુલાકાત : મ્યુઝિયમમાં આધુનિક ડિજિટલ સુવિધાઓ અને જૈન કલા સ્થાપત્યને વિશ્વવ્યાપી ઉત્કર્ષ આપનારા પ્રેઝન્ટેશન્સ દ્વારા મુલાકાતીઓને જીવંત અને આધુનિક અનુભવ પ્રાપ્ત થાય છે.

જીવંત સાક્ષીઓ : અહીં દર્શાવવામાં આવેલ દરેક પ્રાચીન કલાકૃતિને માત્ર એક વસ્તુ તરીકે નહીં, પરંતુ સમય, શ્રદ્ધા અને સંસ્કૃતિના જીવંત સાક્ષી તરીકે રજૂ કરવામાં આવી છે, જે મુલાકાતીઓને ભૂતકાળના દિવ્ય અનુભવો સાથે જોડે છે.

નવી પેઢીઓ માટે અમૂલ્ય ધરોહર : સાંસ્કૃતિક ખજાનારૂપે વિકસાવવામાં આવેલ આ મ્યુઝિયમ નવી પેઢીને ભારતની ગૌરવશાળી મહાન સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને જાણવાની અને સમજવાની પ્રેરણા આપશે. 

ધરોહરની સાત વિશિષ્ટ ગેલેરી: મ્યુઝિયમમાં સાત અલગ-અલગ ગેલેરી છે, જેમાં જૈન ધર્મની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને તત્ત્વજ્ઞાની પરંપરાના વિવિધ પાસાઓ સાથે ભારતની અન્ય ધર્મોના પણ વારસાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું છે.  

એક મહત્વપૂર્ણ ઐતિહાસિક અને આધ્યાત્મિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસતું સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ શાળાના બાળકો, યુવાનો, સંશોધકો, કલા-પ્રેમીઓ અને ઇતિહાસકારો માટે ભારતના ભવ્ય ભૂતકાળ તથા સનાતન ધર્મ અને સંસ્કૃતિના વિવિધ પરિમાણોને જાણવા માટે અવશ્ય મુલાકાત લેવા યોગ્ય સ્થળ બનશે.