VIDEO: સુરેન્દ્રનગર LCBની મોટી સફળતા! 5 રાજ્યોમાં આતંક મચાવતી કુખ્યાત 'કડિયા સાસી ગેંગ'ની 2 મહિલાઓ ઝડપાઈ
VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં બનેલી ચોરીની ચકચારી ઘટનાઓનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. બેંકોની બહાર રેકી કરીને નાણાં લઈને નીકળતા ખાતેદારોને ટાર્ગેટ કરતી કુખ્યાત 'કડિયા સાસી ગેંગ'ની બે મહિલા સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય 4 રાજ્યોમાં પણ સક્રિય હતી.
વૃદ્ધની થેલીમાંથી 3 લાખની ચોરી અને પોલીસ એક્શન
ઘટનાની વિગત એવી છે કે, સુરેન્દ્રનગરની બેંક ઓફ બરોડાની બહારથી એક વૃદ્ધની થેલીમાંથી રૂ. 3 લાખની ચોરી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને આધુનિક ટેક્નોલૉજીની મદદથી તપાસ કરતા આ ગુનાના તાર મધ્યપ્રદેશ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું.
મધ્યપ્રદેશથી બે મહિલાઓની ધરપકડ
સુરેન્દ્રનગર પોલીસે ઓપરેશન પાર પાડીને મધ્યપ્રદેશથી લલીતાબેન સિસોદિયા અને બબલી સિસોદિયા નામની બે મહિલાઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી રૂ. 1.84 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના એએસપી (ASP) વૈદિકા બિહાનીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ગેંગ ગુજરાતના 9 જિલ્લાઓ ઉપરાંત દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
ચોરી કરવાની અનોખી પદ્ધતિ
આ ગેંગના સભ્યો બેંકની અંદર અને બહાર ગ્રાહક બનીને ઉભા રહેતા હતા. જે ખાતેદારો મોટી રકમ ઉપાડીને બહાર નીકળતા હોય તેમની રેકી કરવામાં આવતી હતી. મોકો મળતા જ નજર ચૂકવીને અથવા તો છેતરીને નાણાં ભરેલી થેલીની ઉઠાંતરી કરી લેવામાં આવતી હતી. પકડાયેલી મહિલાઓ પાસેથી મળેલી કડીઓ મુજબ, હજુ પણ ગેંગના અન્ય સભ્યો લલીતાબેન અને સાકા સિસોદિયા પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. આ સમગ્ર કામગીરીના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર પોલીસની સફળતાના પ્રતીક સમાન બની રહ્યા છે.

