VIDEO: સુરેન્દ્રનગર નદીમાં ડૂબેલા રાજસ્થાનના 4 યુવકોના મોત મામલે હોબાળો, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર
સુરેન્દ્રનગર નજીક આવેલી ઉમય નદીમાં ડૂબી જવાથી રાજસ્થાનના ચાર યુવકોના નીપજેલા કરૂણ મોતના મામલે ભારે ઉશ્કેરાટ અને વિરોધનો માહોલ સર્જાયો છે. ઘટના બાદ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ (PM) પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ મૃતકોના સગા-સંબંધિઓ અને સાથીદારોએ કડક કાર્યવાહીની માંગ સાથે મૃતદેહો સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
સોલાર કંપની અને કોન્ટ્રાક્ટર સામે ફરિયાદની માંગ
પ્રાથમિક મળતી વિગતો મુજબ, આ દુર્ઘટના પાછળ સોલાર પ્રોજેક્ટના સંચાલકો અને કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે આ સોલાર પ્લાન્ટ રાજકીય આગેવાનો સાથે સંકળાયેલો છે. આથી, પરિવારજનો અને સ્થાનિકો સોલાર કંપનીના માલિકો, સંચાલકો અને કોન્ટ્રાક્ટરો સામે ગુનાહિત બેદરકારીનો ગુનો દાખલ કરીને તેમની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.
પોલીસ કાર્યવાહી સામે અસંતોષ
પીડિત પરિવારોનો આક્ષેપ છે કે આટલી મોટી હોનારત અને ચાર નિર્દોષ યુવકોના જીવ ગયા હોવા છતાં, પોલીસ તંત્ર કડક પગલાં ભરવાથી દૂર ભાગી રહ્યું છે. પોલીસે હાલ માત્ર અકસ્માતે મોત (AD) નો ગુનો નોંધીને પ્રાથમિક કાગળિયા કર્યા છે, પરંતુ બેદરકાર સંચાલકો સામે કોઈ નક્કર એફ.આઈ.આર. (FIR) દાખલ કરી નથી.
મૃતદેહો કોલ્ડ સ્ટોરેજમાં મૂકાયા, સિવિલમાં પોલીસ ધામા
પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરાતાં તંત્ર દોડતું થયું છે. હાલ ચારેય મૃતક યુવકોના દેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. સ્થિતિ વધુ ન વણસે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સિવિલ હોસ્પિટલ પરિસરમાં ખડકી દેવામાં આવ્યો છે. પરિવારો તેમની માંગ પર અડગ છે કે જ્યાં સુધી ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે.

