VIDEO: સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ નજીક પ્રખ્યાત પીઝા આઉટલેટ્સ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક તપાસ
સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ નજીક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અચાનક હાથ ધરવામાં આવેલી તપાસથી ખાણીપીણીના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શહેરી વિસ્તારની કુલ ૬ જગ્યાઓ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પીઝા ડોટ કોમ, એવન પીઝા અને ડોમીનોઝ જેવા જાણીતા આઉટલેટ્સનો પણ સમાવેશ થાય છે. ફૂડ વિભાગની ટીમ સીધી રસોડામાં પહોંચી હતી અને ત્યાંથી ચીઝ તેમજ પીઝાના શંકાસ્પદ નમૂનાઓ એકત્રિત કર્યા હતા. આ તમામ સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે, અને રિપોર્ટ આવ્યા બાદ નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી પી.એસ. સાવલિયાએ જણાવ્યું હતું કે આગામી તહેવારોની મોસમ અગાઉ બજારમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને અટકાવવા માટે લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્યની સુરક્ષાાર્થે આ પ્રકારની તપાસ ઝુંબેશ વધુ તેજ કરવામાં આવી છે, તેમજ અખાદ્ય વસ્તુઓનો નાશ પણ કરવામાં આવશે.

