સુરેન્દ્રનગરના કોરડા ગામે જમીન નામે કરાવવા દબાણ કરતાં યુવકને પરિવારે જ પતાવી દીધો, 6 આરોપીઓ પકડાયા

સુરેન્દ્રનગર જિલ્લાના કોરડા ગામે યુવકના મોતનો મામલો શરૂઆતમાં આત્મહત્યાનો લાગતો હતો, પરંતુ પોલીસ તપાસમાં સમગ્ર ઘટના હત્યામાં ફેરવાઈ હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મૃતક જમીન પોતાના નામે કરાવવા દબાણ કરતો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક પ્રેમિકા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હતો અને પરિવારની જમીન પોતાના નામે કરાવવા માટે પરિવારજનો પર દબાણ કરતો હોવાની માહિતી મળી હતી. આ બાબતે પરિવારજનોમાં નારાજગી હતી. પ્રેમસંબંધ અને જમીનના મુદ્દાને લઈને પરિવારના સભ્યોએ ભેગા મળી યુવકની હત્યાનો પ્લાન બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે.
આત્મહત્યા તરીકે ખપાવવાનો પ્રયાસ
આરોપીઓએ યુવકને બાંધી તેના પર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ છરીના ઘા મારી તેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હત્યા બાદ ઘટનાને આત્મહત્યા તરીકે ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ યુવકને ગળેફાંસો આપીને ઘરમાં લટકાવી દીધો હોવાની પણ માહિતી સામે આવી છે.
6 લોકોની ધરપકડ
આરોપીઓએ યુવકના મૃતદેહનો અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યો હતો. જોકે, પોલીસને શંકા જતા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન હત્યાનો ભેદ ઉકેલાયો હતો અને સગા ભાઈ, માતા, કાકા સહિતના 6 લોકોની સંડોવણી સામે આવી હતી.
પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી ચુડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

