BZ જેવું બીજું કૌભાંડ : એકના ડબલ લેવાની લાલચમાં ધ્રાંગધ્રાના મેથાણ ગામના અનેક લોકો છેતરાયા

ગુજરાતમાં રોકાણ સામે અનેકગણું વળતર આપવાની લાલચ આપીને સેંકડો લોકોને છેતર્યા હોવાનું BZ કૌભાંડ સામે આવ્યું છે. આવું બીજુ કૌભાંડ સુરેન્દ્રનગરમાં પકડાયું છે, જેમાં એકના ડબલ લેવાની લાલચમાં ધ્રાંગધ્રાના મેથાણ ગામના અનેક લોકો છેતરાયા છે.
પાલનપુરની હાઉસિંગ સોસાયટીનું કૌભાંડ
પાલનપુરની પ્રસિદ્ધી નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ સોસાયટી દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું છે. પાલનપુરની પ્રસિદ્ધી નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોપરેટીવ સોસાયટીના સંચાલક લોકોને રોકાણ સામે ઊંચું વળતર આપવાની લાલચ આપીને રૂપિયા ઉઘરાવીને કરોડો રૂપિયાનુ કૌભાંડ આંચરી ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા છે.
ત્રણ બહેનોને એજન્ટ બનાવી 6 વર્ષમાં નાણા ડબલ કરવાની આપી લાલચ
પાલનપુરની પ્રસિદ્ધી નિર્માણ હાઉસિંગ સોસાયટીના સંચાલકોએ ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામમા ત્રણ બહેનોને એજન્ટ બનાવી હતી. આ એજન્ટ બહેનો મારફતે 6 વર્ષમાં નાણા ડબલ કરવાની લાલચ આપી અનેક રોકાણકારો પાસેથી નાણા ઊઘરાવ્યાં છે.
વાયદા કરેલી પાકતી મુદ્દતે રોકાણ કરનારાઓએ રકમની માંગણી કરતા મહિલા એજન્ટો ધ્રાંગધ્રા સ્થિત ઓફિસે મનોજ પનારાનો સંપર્ક કરવા ગયા હતા, પણ ધ્રાંગધ્રાની ઓફિસે તાળા લાગેલા હતા. આ હાઉસિંગ સોસાયટીનો માલિક પાલનપુર ખાતે રહે છે, પણ એનો પણ કોઈ છેડો ન મળતા આ બહેનો પોતે છેતરાઈ હોવાનું માલુમ પડ્યું છે.


