VIDEO: સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં પાવરગ્રીડનો વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત, પોલીસ કાફલો તૈનાત
સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં પાવરગ્રીડ સામેનો રોષ ફરી ભભૂક્યો છે. વીજ કંપનીએ કામ શરૂ કરતા ખેતરમાં ઝાંપાને નુકસાની અને મનમાનીના વિરોધમાં ખેડૂતોએ હાઈવે પર રામધૂન બોલાવી ચક્કાજામ કર્યો હતો. થોડી જ વારમાં હાઈવે પર પોલીસનો મોટા કાફલો ઉતારી દેવાયો અને સ્થાનિક પોલીસે સમજાવટના પ્રયાસો પણ શરૂ કર્યાં હતા.
તો બીજી તરફ જે ખેતરમાં કામ શરૂ હતુ ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો કામ બંધ કરાવવા પહોંચ્યાં હતા તે સમયે પોલીસ અને ખેડૂતો વચ્ચે થોડા ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યાં હતા. અહીં પણ વાહનો સાથે મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો અને અનેક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી હતી. એવા દ્રશ્યો સામે આવ્યાં કે જાણે ખેતરમાં સમરાંગણ ચાલી રહ્યું હોય. કેટલાક ખેડૂતો અટકાયતથી બચવા માટે ખેતરમાં દોડતા પણ જોવા મળ્યાં. એક જ ગામમાંથી આવતા સતત આવા દ્રશ્યો ખેડૂતોની પોલીસ અને કંપનીના વલણ સામેની ભારે નારાજગી દર્શાવે છે.

