VIDEO: સુરતઃ કિમમાં સાદું મીટર છતાં સ્માર્ટ બિલ આવ્યું, રોષે ભરાયેલા સ્થાનિકનો ભારે હોબાળો!
સુરતના કીમ વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ ફરી એકવાર સ્માર્ટ મીટરના લોચાને કારણે વિવાદના વમળમાં ફસાઈ છે, જ્યાં એક ગ્રાહકના ઘરે હજુ પણ સાદું વીજ મીટર હોવા છતાં તેને એક સાથે બે-બે બિલ મોકલી દેવામાં આવતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. આ ગ્રાહકને સાદા મીટરનું બિલ માત્ર 988 રૂપિયા આવ્યું હતું, જ્યારે તેની જ સામે વાપર્યા વગરના સ્માર્ટ મીટરનું અધધ ચાર હજાર 351 રૂપિયા બિલ ફટકારી દેવાતા સમગ્ર મામલો ગરમાયો હતો. આ અંગે DGVCL કચેરીએ ફરિયાદ કરવા છતાં અધિકારીઓએ તેને ટેકનિકલ ખામી ગણાવી ગોળગોળ જવાબો આપ્યા હતા અને ઊલટાનું ગ્રાહકને નવું સ્માર્ટ મીટર મૂકાવી લેવા દબાણ કર્યું હતું. આ વિવાદ બહાર આવતાની સાથે જ જ્યારે DGVCLના કર્મચારીઓ કીમ વિસ્તારમાં બળજબરીથી સ્માર્ટ મીટર ફિટ કરવા નીકળ્યા, ત્યારે રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવીને કર્મચારીઓને સ્માર્ટ મીટર ફિટ કરવાની ચોખ્ખી ના પાડી સ્થળ પરથી રવાના કરી દીધા હતા, જેના કારણે વારંવાર આવા ગતકડાં કરતી વિજ કંપનીની પોલ ખુલ્લી પડી ગઈ છે.

