Video/ Suratમાં 'આપ' ના કાર્યકર હોવાનું જણાવી સસ્તા અનાજના દુકાનદાર પાસે ખંડણી માંગનારા શખ્સો સામે પોલીસ ફરિયાદ
સુરતના લીંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારીને બદનામ કરવાની ધમકી આપી ખંડણી માંગવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. પોતાને આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકર તરીકે ઓળખાવતા શ્રવણ જોશી અને તેના સાગરીતો સામે લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
શું છે સમગ્ર વિગત?
સુરતના લિંબાયત વિસ્તારમાં સરકારી સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરીએ તેમની દુકાનમાં કાળાબજાર થતા હોવાના ખોટા આક્ષેપો કર્યા હતા. આ શખ્સોએ ગ્રાહકોને ઉશ્કેરીને દુકાનના વીડિયો બનાવ્યા હતા અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની તેમજ દુકાનનું લાયસન્સ રદ કરાવી દેવાની ધમકી આપી હતી.
લાખોની ખંડણીની માંગણી
ફરિયાદ મુજબ, આરોપીઓએ દુકાન શાંતિથી ચલાવવા દેવા માટે વેપારી પાસે દર મહિને ₹50,000 ના હપ્તાની અને એક વખત ₹1 લાખ ની ખંડણી માંગી હતી. એવો પણ આક્ષેપ છે કે શ્રવણ જોશીએ તેના સાગરીત સંપત ચૌધરી મારફતે ગોડાદરા વિસ્તારમાં જાહેર રોડ પર ₹1 લાખની રોકડ રકમ પણ સ્વીકારી હતી.
પોલીસની કાર્યવાહી
વેપારીની ફરિયાદના આધારે લીંબાયત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શ્રવણ જોશી અને સંપત ચૌધરીની અટકાયત કરી લીધી છે. આ કેસમાં કુલ 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આરોપી 1: શ્રવણ જોશી (પોતાને 'આપ' કાર્યકર ગણાવનાર)
આરોપી 2: સંપત ચૌધરી
આરોપી 3: અન્ય એક અજ્ઞાત શખ્સ
લીંબાયત પોલીસે હાલ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સરકારી અનાજની દુકાનો ચલાવતા સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

