VIDEO: સુરત કોંગ્રેસમાં ભડકો! પ્રમુખના ત્રાસથી વરિષ્ઠ આગેવાનોએ પક્ષ છોડ્યો, 25થી વધુ કાર્યકરોએ પણ પંજો છોડી ઝાડુ પકડયું
VIDEO: સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓ પૂર્વે સુરત શહેર કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. આંતરિક વિખવાદ ફરી સપાટી પર આવી ગયો છે. નેતૃત્વ પ્રત્યેની નારાજગીને કારણે વરિષ્ઠ આગેવાન કલ્પેશ બારોટ સહિતના દિગ્ગજોએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. આ નેતાઓ આગામી સમયમાં વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
પ્રમુખના ત્રાસનો ગંભીર આરોપ
રાજીનામું આપનારા આગેવાનોએ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા પર ગંભીર આક્ષેપો કર્યા છે. કલ્પેશ બારોટ, ફિરોઝ મલિક અને કિરીટ વાઘેલા જેવા પાયાના નેતાઓએ જણાવ્યું હતું કે, શહેર પ્રમુખના ત્રાસ અને મનસ્વી વલણને કારણે પક્ષમાં કામ કરવું મુશ્કેલ બન્યું હતું. આ બાબતે અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હાઈકમાન્ડ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા આખરે તેઓએ છેડો ફાડવાનો નિર્ણય લીધો છે.
આમ આદમી પાર્ટીની તાકાત વધશે
માત્ર મુખ્ય નેતાઓ જ નહીં, પણ તેમની સાથે અંદાજે 20થી 25 જેટલા સક્રિય કાર્યકરો પણ કોંગ્રેસ છોડી રહ્યા છે. આ તમામ નેતાઓ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા. સુરત મહાનગરપાલિકામાં અગાઉ પણ 'આપ' મજબૂત રહી છે, ત્યારે કોંગ્રેસના આ દિગ્ગજોના જોડાવાથી આગામી ચૂંટણીના સમીકરણો બદલાઈ શકે છે. કોંગ્રેસ માટે આ એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

