VIDEO: ખજોદની આગે સુરતીઓનો શ્વાસ રુંધ્યો: 78 જવાનોની જહેમત છતાં આગ બેકાબૂ, ઝેરી ધૂમાડાથી લોકો પરેશાન
VIDEO: સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગ ત્રીજા દિવસે પણ શમવાનું નામ નથી લઈ રહી. છેલ્લા 60 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ હજુ પણ બેકાબૂ છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ધૂમાડાના ગોટેગોટા અને અસહ્ય દુર્ગંધથી લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે.
ફાયર વિભાગનું દિલધડક ઓપરેશન
આગ પર કાબૂ મેળવવા માટે સુરત ફાયર વિભાગના 78થી વધુ જવાનો ખડેપગે છે. અત્યાર સુધીમાં અંદાજે 20 લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. પાણીની સાથે સાથે આગને દબાવવા માટે 150 ટન માટીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમ છતાં કચરાના ઢગલા નીચે લાગેલી આગ હજુ પણ ભભૂકી રહી છે.
સ્થાનિકોમાં ભારે રોષ અને આરોગ્યની ચિંતા
આગના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઝેરી ધૂમાડો ફેલાયો છે. દુર્ગંધ અને ધુમાડાના કારણે રહીશોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને આંખોમાં બળતરાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડમ્પિંગ સાઈટના યોગ્ય વ્યવસ્થાપનના અભાવે વારંવાર આવી ઘટનાઓ બને છે જે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં સમાન છે.

