Surat: ₹11 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ઈન્સ્ટાગ્રામની પોસ્ટે ચોરોને પકડાવ્યા

સુરતના ઉધના વિસ્તારમાં થયેલી 11 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. માત્ર કોપર વાયર ચોરવા આવેલા તસ્કરો લાખોની રોકડ જોઈ ભાન ભૂલ્યા અને અંતે સોશિયલ મીડિયાના મોહે તેમને પોલીસના સકંજામાં લાવી દીધા.
30 ડિસેમ્બરના રોજ ઉધનાની ઇસ્ટન એન્જિનિયરિંગ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. આરોપીઓનો અસલી પ્લાન માત્ર કંપનીમાંથી મોંઘો કોપર વાયર ચોરવાનો જ હતો. પરંતુ, જ્યારે તેઓ ઓફિસમાં ઘૂસ્યા ત્યારે તેમની નજર ₹11 લાખથી વધુની રોકડ રકમ પર પડી. લાખો રૂપિયા જોઈને આરોપીઓ નિયત ચૂક્યા અને વાયરને બદલે રોકડ લઈને ફરાર થઈ ગયા. ચોરી કર્યા બાદ આરોપીઓ સીધા મુંબઈ ભાગી ગયા હતા. ત્યાં તેમણે મોજશોખની સીમાઓ વટાવી દીધી. ત્યાં તેમણે ડાન્સ બારમાં હજારો રૂપિયા ઉડાવ્યા હતા, સાથે જ મોંઘો આલીશાન રુમ ભાડે રાખ્યો હતો અને ફોટાઓ પાડવા મોંઘો કેમેરો પણ ખરીદ્યો હતો.
આરોપી દીપકના ઘરનું કામ ચાલતું હોવાથી બહાર રેતીના ઢગલો હતો તેથી તણે વિચાર્યું કે, જો પોલીસ તપાસ કરશે તો ઘરમાં કરશે, બહાર પડેલી રેતી કોઈ નહીં ચેક કરે, એટલે તેણે ફિલ્મી સ્ટાઈલમાં લાખો રૂપિયા રેતીમાં દાટી દીધા હતા. જોકે, પોલીસે રેતીમાંથી ચોરીના પૈસા શોધી કાઢ્યા હતા.
આરોપીઓ મુંબઈમાં મોજ કરી રહ્યા હતા. પણ તેમનો ત્રીજો સાથી આનંદ ઉર્ફે લક્કી પોતાની ખુશી રોકી શક્યો નહીં. તેણે ચોરીના પૈસા સાથે ફોટો પડાવ્યો અને ઇન્સ્ટાગ્રામ પર 'ગોઇંગ ટુ બોમ્બે' કેપ્શન સાથે પોસ્ટ મૂકી દીધી. આ એક ભૂલથી પોલીસે આરોપીને શોધી કાઢ્યા હતા. ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે સીસીટીવી ફૂટેજથી ઓળખ તો કરી જ લીધી હતી,અને સોશિયલ મીડિયાની એક પોસ્ટે પોલીસને સીધા આરોપીઓ સુધી પહોંચાડી દીધા હતા.

