Surat/ ચાંદીના વધતા ભાવની લાલચ ભારે પડી: પહેલી જ ખેપમાં બે વ્યક્તિ એરપોર્ટ પર પકડાયા

સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા બે યુવાનોને ગેરકાયદેસર રીતે 10 લાખ રૂપિયાની ચાંદી લાવતા ઝડપી પાડ્યા હતા. આ ઘટનાએ એરપોર્ટ પર ચકચાર જગાવી દીધી હતી.
કેમ શરૂ કર્યો ચાંદીનો ધંધો?
કસ્ટમ વિભાગે બંને વ્યક્તિ પાસેથી રૂ. 10 લાખની કિંમતનો ચાંદીનો જથ્થો જપ્ત કર્યો હતો. કસ્ટમ વિભાગ સમક્ષ આપેલા નિવેદનમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, તેમની આજીવિકા માટે તેમની પાસે એક ટ્રક હતી. ચાંદીના સતત વધી રહેલા ભાવ જોઈને તેમને ચાંદીનો ધંધો કરવાનો વિચાર આવ્યો હતો. આ લાલચમાં તેઓએ પોતાની ટ્રક વેચી દીધી હતી અને પહેલીવાર તેઓ ચાંદી લાવવા માટે દુબઈ ગયા હતા.
કસ્ટમ વિભાગે ચાંદીનો જથ્થો જપ્ત કર્યા બાદ, બંને વ્યક્તિઓનું નિવેદન લઈને તેમને જવા દીધા હતા. જોકે, ગેરકાયદેસર રીતે ચાંદી લાવવાના આ પ્રયાસને કસ્ટમ વિભાગે નિષ્ફળ બનાવ્યો છે. આ બનાવથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે થતી ગેરકાયદેસર દાણચોરીને રોકવા માટે કસ્ટમ વિભાગ સતર્ક છે.

