દિલ્હીમાં ગુજરાતની બહેનો વગાડશે ડંકો, પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઓલપાડની મહિલા સરપંચને આમંત્રણ

સુરતના ઓલપાડ તાલુકાના સોંદામીઠા તેમજ વડોદ ગામની સમરસ ગ્રામ પંચાયતની 2 મહિલા સરપંચોને આગામી તા.૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હી ખાતે યોજાનાર સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝીટ તરીકે હાજર રહેવા નિમંત્રણ મળ્યું છે. જેના પગલે સુરત સહિત ઓલપાડ તાલુકાના ગૌરવમાં વધારો થતાં બંન્ને મહિલા સરપંચ અભિનંદન લોકો પાઠવી રહ્યાં છે.
ઉત્તમ કામગીરીથી આમંત્રણ
ઓલપાડ તાલુકાના સોંદામીઠા ગ્રામ પંચાયતમાં સરપંચ દિક્ષાબેન પૃથ્વીરાજસિંહ ઠાકોર અને વડોદ ગ્રામ પંચાયતમાં શિતલબેન આશિષ દેસાઈ બંન્ને સમરસ મહિલા સરપંચો ગ્રા.પં.માં સુંદર વહીવટ કરી રહી છે. આ બંન્ને ગામોમાં વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યા હતી. જો કે આ સમસ્યા નિવારવા સરકારની વાસ્મો અંતર્ગત ‘જલ સે નલ’ યોજનામાંથી ગ્રાન્ટ મંજૂર થતાં આ બંન્ને સરપંચોએ સુંદર કામગીરી બજાવી ગામના લોકોના ઘર સુધી નળ દ્વારા દિવસ દરમ્યાન પાણી પહોંચાડવામાં સફળ થઈ હતી. જે વિશિષ્ટ કામગીરીની નોંધ રાજ્ય અને દિલ્હીની કેન્દ્ર સરકારે લઈ આ સુંદર કામગીરી બદલ બંન્ને સમરસ મહિલા સરપંચોને આગામી તા.૨૬ મી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિનની ઉજવણી સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝીટ તરીકે હાજર રહેવા નિમંત્રણ મળ્યું છે.
4 જિલ્લાની મહિલાઓની પસંદગી
અત્રે ઉલ્લેખનીય છે કે,આ સમારોહમાં હાજર રહેવા ગુજરાત રાજ્યના માત્ર ૪ જિલ્લાઓ કચ્છ,અમદાવાદ, નવસારી અને સુરત જિલ્લાની મહિલા સરપંચો પૈકી ઓલપાડ તાલુકાની ૨ ગામની મહિલાઓને જલશક્તિ અને રક્ષા મંત્રાલય દ્વારા દિલ્હી ખાતેથી આમંત્રણ મળ્યું છે.આ બંન્ને મહિલા સરપંચોએ ગ્રામજનોને પીવાના પાણી માટે કરેલ કામગીરીની નોંધ છેક દિલ્હી સુધી લેવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી,કેન્દ્ર સરકારના જળ સંપત્તિ અને રક્ષા મંત્રાલય સહિત રાજ્યમંત્રી મુકેશ પટેલનો ગ્રામજનો વતી આભાર માની આવનારા દિવસોમાં પણ આ યોજનાને વધુ ગતિશીલ બનાવવાની ખાત્રી આપી હતી.

