Surat/ Income Tax બાદ હવે ED ના રડાર પર ગજેરા પરિવાર, મેહુલ ચોક્સી કનેક્શનની આશંકા

ડાયમંડ સિટી સુરતમાં જાણીતા લક્ષ્મી ગ્રુપ (ગજેરા ગ્રુપ) પર આવકવેરા વિભાગ (Income Tax) ના દરોડા બીજા દિવસે પણ અત્યંત ગુપ્તતા અને કડક જાપ્તા વચ્ચે યથાવત રહ્યા છે. સુરતના રિયલ એસ્ટેટ અને ડાયમંડ ઉદ્યોગના દિગ્ગજ ગણાતા વસંત ગજેરા અને ચુની ગજેરાના નિવાસસ્થાન તેમજ ઓફિસ સહિતના સ્થળોએ ચાલી રહેલી આ તપાસમાં દર કલાકે નવા ખુલાસા થઈ રહ્યા છે.
110 અધિકારીઓ, 30 સ્થળો અને કરોડોનો વ્યવહાર
આવકવેરા વિભાગની આ કાર્યવાહી કોઈ સામાન્ય તપાસ નથી. મળતી માહિતી મુજબ, સુરત અને તેની આસપાસના અંદાજે 30 સ્થળોએ 110 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તપાસનો વ્યાપ ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્ર સુધી વિસ્તરેલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગ્રુપની રોજની આવક કરોડોમાં છે અને તેમાં મોટાપાયે ટેક્સ ચોરી થઈ હોવાની આશંકા છે.
મેહુલ ચોક્સી કનેક્શન: સૌથી મોટો ધડાકો
આ દરોડામાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી રહી છે કે, આ તપાસના તાર ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી સાથે જોડાયેલા હોઈ શકે છે. પ્રાથમિક અહેવાલો મુજબ, મેહુલ ચોક્સીએ લક્ષ્મી ગ્રુપની કેટલીક કંપનીઓમાં મોટું રોકાણ કર્યું હોવાની માહિતી આઈટી વિભાગને મળી છે. જો આ રોકાણ 'બેનામી' કે મની લોન્ડરિંગના માધ્યમથી થયું હશે, તો આ કેસમાં ટૂંક સમયમાં જ ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ની પણ એન્ટ્રી થઈ શકે છે.
ઓફિસ સ્ટાફના ઘરે રોકડ છુપાવી હોવાની શંકા
આઈટી વિભાગને એવી બાતમી મળી હતી કે કંપનીના મુખ્ય હોદ્દેદારોને બદલે તેમના ભરોસાપાત્ર ઓફિસ સ્ટાફના નિવાસસ્થાને મોટી માત્રામાં રોકડ રકમ (Cash) રાખવામાં આવતી હતી. આ બાતમીના આધારે અધિકારીઓએ સ્ટાફના સ્થળોએ પણ તપાસ કેન્દ્રિત કરી છે. આ તપાસના અંતે સુરતનું અત્યાર સુધીનું સૌથી મોટું ટેક્સ કૌભાંડ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

