Surat મનપાની કડક કાર્યવાહી; લારી-ગલ્લા અને પાથરણાવાળાઓના ગેરકાયદે દબાણો દૂર કરાયા
સુરત મહાનગરપાલિકાનું દબાણ વિભાગ અત્યારે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરના ભટાર વિસ્તારમાં જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેઠેલા લારી-ગલ્લા અને પાથરણાવાળાઓ પર પાલિકાની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન 4 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી.
ભટાર ચાર રસ્તાથી બ્રેડલાઈનર સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર શાકભાજીની લારીઓ અને ગેરકાયદે કેબિનોના કારણે લાંબા સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી હતી. સ્થાનિકોની ફરિયાદ હતી કે આ દબાણોના કારણે ટ્રાફિક જામ એટલો વિકરાળ બને છે કે એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે. લોકોના જીવ જોખમમાં મૂકાતા હોવાથી પાલિકા અને ટ્રાફિક વિભાગે સંયુક્ત રીતે આ રોડ ખાલી કરાવવાનું ઓપરેશન હાથ ધર્યું હતું.
આ દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન સ્થાનિક કોર્પોરેટર હિમાંશુ રાઉલજી પણ હાજર રહ્યા હતા. તેમણે દબાણકર્તાઓને કડક ભાષામાં ચીમકી આપતા જણાવ્યું હતું કે, તમે ધંધો કરો પણ લોકોની અવરજવરમાં અડચણ ઉભી ન થવી જોઈએ.

