Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Illegal connection of rain lines in Surat, allegation of collusion

Suratમાં વરસાદી લાઇનમાં ગેરકાયદે જોડાણ, અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે મિલીભગતનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Suratમાં વરસાદી લાઇનમાં ગેરકાયદે જોડાણ, અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે મિલીભગતનો આક્ષેપ
સોર્સ : gstv

શહેરમાં સામાન્ય નાગરિકના નાના દબાણ સામે બુલડોઝર ચલાવતું પાલિકા તંત્ર પોતાની જ જમીન પર થયેલા કબજા અને નવા રોડના ગેરકાયદે ખોદકામ સામે કેમ ચૂપ બની રહ્યું છે? પાલિકાના રાંદેર ઝોનમાં પાલ જીઈબી ઓફિસ સામે પાલિકાના રિઝર્વ પ્લોટમાં દબાણ, નવા કાર્પેટ રોડનું ખોદકામ અને વરસાદી પાણીની લાઈનમાં ગેરકાયદે જોડાણ બિલ્ડર દ્વારા કરી દેવામાં આવ્યું છે તે પ્રકારનો ગંભીર આક્ષેપ ભાજપના પૂર્વ કોર્પોરેટરે કર્યો હતો. તેઓએ લેખિત ફરિયાદ કરી હોવા છતાં પણ અધિકારીઓએ કોઈ પગલાં નહીં ભરાતા પાલિકાના અધિકારીઓ બિલ્ડર માટે કામ કરતા હોવાના આક્ષેપ પણ શરુ થયા છે.

વરસાદી પાણીની મુખ્ય લાઇનના મેનહોલમાં ગેરકાયદે જોડાણ

App Store

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલિકાના પ્લોટમાં ગેરકાયદે બાંધકામ થતું હોવાની ગંભીર ફરિયાદ પૂર્વ કોર્પોરેટર ઉષા પટેલે ઝોનના ઓફિસરને કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, પાલિકાના રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં પાલ જીઈબી ઓફિસ સામે આવેલા પાલિકાના રિઝર્વ પ્લોટમાં બિલ્ડરે મજુરો માટે ઝુંપડા બનાવી દીધા છે. વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે, થોડા સમય પહેલાં જ તૈયાર કરાયેલા નવા કાર્પેટ રોડને રવિવારની રજાનો લાભ લઈને ખોદી નાખવામાં આવ્યો અને વરસાદી પાણીની મુખ્ય લાઇનના મેનહોલમાં ગેરકાયદે જોડાણ પણ કરી દેવામાં આવ્યું છે.

ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સમગ્ર ઘટનાનો જીપીએસ લોકેશન સાથેના ફોટોગ્રાફિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પાલિકાની પોતાની જ જમીન પર દબાણ થાય, જાહેર નાણાંથી બનેલા રોડને નુકસાન પહોંચાડવામાં આવે અને વરસાદી પાણીની વ્યવસ્થામાં ગેરકાયદે હસ્તક્ષેપ થાય છતાં તંત્રનું મૌન અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યું છે.

 અધિકારીઓ બિલ્ડર માટે કામ કરી રહ્યાનો આક્ષેપ

પૂર્વ કોર્પોરેટરે માંગ કરી છે કે સમગ્ર મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, પાલિકાની જમીન પરથી ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવે, રોડ ખોદનાર અને ગેરકાયદે જોડાણ કરનાર જવાબદાર બિલ્ડર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ જાહેર સંપત્તિને થયેલા નુકસાનની વસૂલાત પણ કરવામાં આવે. જોકે, આવી ફરિયાદ બાદ પણ રાંદેર ઝોનના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં ન ભરાતા અધિકારીઓ બિલ્ડર માટે કામ કરી રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.