પહેલા મીડિયાને ધમકી, હવે પોતાના જ નેતાને નોટિસ! સુરત ભાજપમાં ₹19 લાખના કથિત તોડકાંડથી ખળભળાટ

પહેલા મીડિયાને ધમકી, હવે પોતાના જ નેતાને નોટિસ! સુરત ભાજપમાં ₹19 લાખના કથિત તોડકાંડથી ખળભળાટ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સુરતના 19 લાખના કથિત તોડકાંડની ચેટ વાયરલ થતાં મીડિયાને નોટિસ ફટકારવાની ધમકી આપનાર શહેર ભાજપે હવે પોતાના જ પક્ષની ચેટ વાયરલ કરનારા નેતાને કારણદર્શક નોટિસ ફટકારી છે. વોર્ડ નં. 27 ના કિસાન મોરચાના શહેર કાર્યકારી સભ્ય મનીષ નાયકને સોશિયલ મીડિયા પરની પોસ્ટ, મીડિયા સાથેની વાતચીત અને વોર્ડમાં તેમના વર્તનથી પક્ષને ક્ષોભજનક સ્થિતિમાં મૂક્યાનો ઠપકો આપી સાત દિવસમાં લેખિત ખુલાસો માગવામાં આવ્યો છે. આ સાથે જ પક્ષે ખુલાસો નહીં મળે તો શિસ્તભંગનાં પગલાં લેવાની પણ ચેતવણી આપી છે.

ચેટ વાયરલ કરનાર ભાજપ નેતાને કારણદર્શક નોટિસ

જાહેરાત

સુરત ભાજપમાં 19 લાખના કથિત તોડકાંડની વાયરલ ચેટનો વિવાદ શમવાને બદલે વધુ ગૂંચવાઈ રહ્યો છે. આ પ્રકરણમાં મીડિયા સમક્ષ અહેવાલો પ્રકાશિત થતાં શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે મીડિયાને નોટિસ ફટકારવાની ધમકી આપી હતી. હવે આ જ વિવાદમાં ચેટ વાયરલ કરનાર પક્ષના કિસાન મોરચાના નેતા મનીષ નાયકને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. સોશિયલ મીડિયા પરની પોસ્ટ, મીડિયા સાથેની વાતચીત અને વોર્ડમાં તેમના વર્તનથી પક્ષને ક્ષોભજનક સ્થિતિમાં મૂક્યાનો ઉલ્લેખ કરી સાત દિવસમાં લેખિત ખુલાસો માગવામાં આવ્યો છે.

કયા સુધી પહોંચ્યો 19 લાખના તોડકાંડનો મામલો?

19 લાખના તોડકાંડનો વિવાદ ભાજપના કાર્યકરો વચ્ચેના આક્ષેપોથી શરૂ થઈ વાયરલ ચેટ, મીડિયા સમક્ષ ખુલાસા અને શહેર પ્રમુખની નોટિસની ધમકી સુધી પહોંચ્યો છે. કથિત સેટલમેન્ટના આક્ષેપો સામે હકીકત સ્પષ્ટ કરવાને બદલે મીડિયા સામે નોટિસની વાત કર્યા બાદ હવે પક્ષના જ નેતા સામે શિસ્તભંગની કાર્યવાહીનો સંકેત આપવામાં આવ્યો છે. વોર્ડ નં. 27ના કિસાન મોરચાના શહેર કાર્યકારી સભ્ય મનીષ નાયકને પાઠવેલી નોટિસમાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટ કરવા ઉપરાંત મીડિયા કર્મીઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરવા અને વોર્ડમાં તેમના વર્તનને કારણે પક્ષને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાત દિવસમાં લેખિત ખુલાસો નહીં આપે તો શિસ્તભંગનાં પગલાં લેવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ સામે સુરત વોર્ડ નં. 12 ના મહામંત્રી વિજય મોદીને પણ ભાજપ દ્વારા કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ થવા અંગે 7 દિવસમાં લેખિત ખુલાસો માંગ્યો છે. 

એક તરફ ચેટ વાયરલ બીજી તરફ ભાજપ નેતાને જ નોટિસ

આ વિવાદમાં મનીષ નાયકે શહેર ભાજપ પ્રમુખને આ મુદ્દે ફરિયાદ કરી હોવાનો દાવો કર્યો હતો અને ફરિયાદ સંબંધિત ચેટ પણ વાયરલ કરી હતી. બીજી તરફ, વોર્ડના કોર્પોરેટર ભાઈદાસ પાટીલે ડીંડોલી પોલીસ મથકે અરજી કરી હોવાની બાબત પણ સામે આવી છે. આમ, કથિત તોડકાંડની ચેટ વાયરલ થયા બાદ એક તરફ મીડિયાને નોટિસની ધમકી અપાઈ હતી, તો બીજી તરફ હવે ચેટ વાયરલ કરનાર પક્ષના જ નેતાને નોટિસ ફટકારતાં ભાજપની આંતરિક ખેંચતાણ વધુ ચર્ચામાં આવી છે. કથિત 19 લાખના સેટલમેન્ટના આક્ષેપોની સત્યતા હજી તપાસનો વિષય છે, પરંતુ આ વિવાદમાં જવાબદારી અને હકીકત સ્પષ્ટ કરવાને બદલે નોટિસ અને ધમકીના રાજકારણે પ્રકરણને વધુ ગરમાવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત