Bardoliમાં પાવર ગ્રીડ વીજ લાઈન સામે ખેડૂતોની ઉગ્ર બનતી લડત, સત્યાગ્રહની પેટર્ન પર બનાવાઈ રણનીતિ

પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી, વાસી બોરસી સુધી વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વીજ લાઇન સુરત જિલ્લાના પણ અનેક ગામોમાંથી પસાર થનાર છે. ત્યારે હવે ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. વીજ લાઈનના અવેજમાં ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ કરી હતી. જોકે વળતરમાં લેખિતમાં નક્કી થયેલ રકમ કરતા અડધી રકમ ચૂકવવામાં આવતા ખેડૂતોમાં રોષ ઉભો થયો છે. જેથી આજે બારડોલી ખાતે ખેડૂત સમાજની અસરગ્રસ્ત ખેડૂતો સાથે મોટી બેઠક મળી હતી. આગામી એક માસ સુધી લડતને જલદ બનાવવા રણનીતિ બનાવવામાં આવી હતી.
અસરગ્રસ્ત ગામોમાં રાતવાસો
પાવર ગ્રીડ દ્વારા સુરત જિલ્લાના માંડવી, પલસાણા, બારડોલી, કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની જમીનમાંથી ખેડૂતોને જાણ કર્યા વિના બળજબરી વીજ લાઇન નાખવા સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જેથી હવે મક્કમ રણનીતિ બનાવી સુરત જિલ્લાના તમામ અસરગ્રસ્ત ગામોને લડતમાં આવરી લીધા છે. ખેડૂતો ભેગા મળી ખેતરોની પૂજા કરી વિવિધ ગામોમાં પદયાત્રા કરનાર છે. રાતવાસો પણ કરી લડત અંગે ખેડૂતોને જાગૃત કરવા સુધીનો તમામ કાર્યક્રમ નક્કી કરી દેવાયો છે.

