Video: સુરતમાં બે બહેનપણીઓના આપઘાતની ઘટનાની નોંધ એલન મસ્કે લીધી, X પર કરી આ પોસ્ટ
સુરતના ડીંડોલીમાં બે બહેનપણીઓના આપઘાતની ઘટનાએ હવે વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે. ૧૮ વર્ષીય રોશની અને ૨૦ વર્ષીય જોસનાએ Chat GPTની મદદથી માહિતી મેળવી એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ચોંકાવનારા સમાચારની નોંધ લેતા વિશ્વના અગ્રણી ઉદ્યોગકાર એલન મસ્કે 'X' પર પ્રતિક્રિયા આપી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ટેકનોલોજીના દુરુપયોગથી સર્જાયેલી આ કરુણ ઘટનાને મસ્કે અત્યંત ગંભીર ગણાવતા સોશિયલ મીડિયા પર અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
શું હતો સમગ્ર મામલો
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ સવારે કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. મૃતક યુવતીઓની ઓળખ 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી તરીકે થઈ છે. કોલેજ ગયા બાદ બંને યુવતીઓ મોડે સુધી ઘરે પરત ન ફરતા ચિંતિત પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. પરિવારના સભ્યો સતત ફોન કરી રહ્યા હતા પરંતુ કોઈ જવાબ મળી રહ્યો નહોતો. અંતે, મંદિર પરિસરના બાથરૂમમાંથી બંનેની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.

