સુરતમાં દરોડા દરમિયાન ગભરાયેલા સ્પા સંચાલકે ચોથા માળેથી લગાવી છલાંગ, સારવાર દરમિયાન મોત

સુરતમાં સ્પા પર પોલીસના દરોડા દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે એક સ્પા પર દરોડા પાડતાં પોલીસને જોઈને ગભરાયેલા સંચાલકે ચોથા માળેથી છલાંગ લગાવી હતી. ઊંચાઈ પરથી પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સંચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
AHTUની ટીમે સ્પા પર દરોડા પાડ્યા હતા
મળતી માહિતી મુજબ, 42 વર્ષીય રાજેશ રઘુવરસિંહ મૂળ હરિયાણાના વતની હતા અને હાલ સુરતના મગદલ્લા ગામમાં રહેતા હતા. તેઓ હોટલ અને સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. દરમિયાન AHTUની ટીમે સ્પા પર દરોડા પાડ્યા હતા. આ સમયે પોલીસને જોઈને ગભરાયેલા રાજેશે ચોથા માળેથી કૂદકો માર્યો હતો.
સારવાર દરમિયાન મોત
ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાજેશને તાત્કાલિક મૈત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










