બમરોલીમાં પ્લાસ્ટિક વેસ્ટના જથ્થામાં લાગી આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા

સુરત શહેરના બમરોલી વિસ્તારમાં આવેલા ડુંડી ગામ નજીક બમરોલી ખાડી પાસેના એક ખુલ્લા પ્લોટમાં પડેલા પ્લાસ્ટિક વેસ્ટના જથ્થામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિકનો કચરો હોવાના કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા
આગ એટલી વિકરાળ હતી કે, તેના કાળા ડિબાંગ ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ખુલ્લા પ્લોટમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો પડયો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી.
ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી
આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા ભીમરાડ, ભેસ્તાન, ઉન અને વેસુ એમ ચાર અલગ-અલગ ફાયર સ્ટેશનની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.









