સુરતમાં ધો.5ની વિદ્યાર્થિની સાથે લાઈબ્રેરિયને કર્યા અડપલાં, ગૂડ ટચ-બેડ ટચથી ફૂટ્યો ભાંડો

બાળકો અને સગીરો સાથે થઈ રહેલા અત્યાચારોને રોકવા માટે શાળાઓમાં ગૂડ ટચ-બેડ ટચ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જેના આધારે સુરતમાં 5માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે લાયબ્રેરિયને અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું હતું. દીકરીએ ઘરે લાઈબ્રેરિયનના કરતૂતો અંગે વાત કરી હતી. જેથી પોલીસમાં ફરિયાદ કર્યા બાદ પૂરાવાના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓને પાઠ ભણાવેલો
પોલીસે શિક્ષણના ભાગરૂપે “ગુડ ટચ અને બેડ ટચ”નો પાઠ વિદ્યાર્થીઓને ભણાવેલો હતો. જેનાથી તેઓ આ બાબતે જાગ્રત હતી. માતા-પિતા સુધી આ વાત પહોંચતાં તેમણે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસે પોક્સો અને છેડતીની કલમો હેઠળ કેસ નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે. અન્ય કોઈ વિદ્યાર્થિની આવા કોઈ વર્તનનો ભોગ બની છે કે નહિ એ અંગે પણ તપાસ શરૂ કરી છે.
લાઈબ્રેરીમાં ખોટી રીતે ટચ કરતો
પોલીસે અધિકારીએ કહ્યું કે, ઉમરા વિસ્તારમાં એક સ્કૂલ આવી છે, જેમાં ધોરણ પાંચમાં ભણતી બે વિદ્યાર્થિનીએ પોતાના વાલીઓ સાથે આવીને ફરિયાદ કરી હતી કે લાઇબ્રેરીમાં વિજય ચંપકભાઈ પટેલ તેમની સાથે શારીરિક અડપલાં કરે છે. વિજય ચંપક પટેલ 48 વર્ષીય છે અને છેલ્લાં 20 વર્ષથી આ શાળામાં નોકરી કરે છે. જ્યારે લાઇબ્રેરીનો પિરિયડ હોય છે ત્યારે વિદ્યાર્થિનીઓ ત્યાં ભણવા જાય છે. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે જ્યારે આ પિરિયડ હોય છે અને તેઓ લાઇબ્રેરીમાં જાય છે ત્યારે આરોપી ખોટી રીતે તેમને ટચ કરે છે.
પોક્સો અંતર્ગત ફરિયાદ
બાળકલ્યાણ અધિકારી, પોલીસ અધિકારી દ્વારા તેમના વાલીઓ સમક્ષ વિદ્યાર્થીનીઓ પૂછપરછ કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે આરોપી તેમને ખોટી રીતે ટચ કરે છે. આ સંદર્ભે શાળાના સંચાલકો સાથે પણ વાતચીત કરવામાં આવી. અમે શાળાના સીસીટીવી ફૂટેજ પણ તપાસ કર્યા. બાળકીઓએ જે પ્રકારની ફરિયાદ કરી હતી એ સીસીટીવીમાં જોતાં સ્પષ્ટ પણે જણાઈ આવ્યું હતું. આરોપી ખોટી રીતે બાળકીઓને ટચ કરી રહ્યો હતો. આ અશોભનીય ઘટના છે, જેથી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

