મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PAASના અલ્પેશ કથિરીયા સમર્થકો સાથે જોડાશે ભાજપમાં, સુરતમાં આંદોલનના ઉદભવ સ્થળેથી કરશે કેસરિયાં

નિરસ લોકસભાની ચૂંટણી સુરતની બેઠક બિનહરિફ થતાં લાઈમલાઈટમાં આવી ગઈ છે. નિલેશ કુંભાણીના ફોર્મ રદ્દ થ

PAASના અલ્પેશ કથિરીયા સમર્થકો સાથે જોડાશે ભાજપમાં, સુરતમાં આંદોલનના ઉદભવ સ્થળેથી કરશે કેસરિયાં

નિરસ લોકસભાની ચૂંટણી સુરતની બેઠક બિનહરિફ થતાં લાઈમલાઈટમાં આવી ગઈ છે. નિલેશ કુંભાણીના ફોર્મ રદ્દ થવા સાથે જ ચર્ચાના કેન્દ્રમાં સુરત આવી ગયું છે. ત્યારે હવે સરકાર સામે અનામત આંદોલનથી પડનારા પાટીદાર અનામત આંદોલન સમિતીના અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાનારા છે. સુરતમાં માનગઢ ચોક મિનીબજારથી આંદોલનનો ઉદભવ થયો હતો. તે જ સ્થળેથી અલ્પેશ સહિતના નેતાઓ કેસરી ખેસ પહેરીને ભાજપમાં જોડાનાર છે.

પાસના યુવકો સામે 100થી વધુ કેસ

પાસના નેતાઓ અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા સહિતના યુવાનો પર સમગ્ર રાજ્યમાં 100થી વધુ કેસ ચાલી રહ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ અને ધાર્મિક બન્ને વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતાં. ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય રહેલા બન્ને યુવાનોએ ગત 18મીએ આપને બાય બાય કહી દેતા રાજીનામાં ધરી દીધા હતાં. ત્યારથી બન્ને ભાજપમાં જોડાશે તેવી શક્યતા સેવવામાં આવી રહી હતી. જે હવે પૂર્ણ થવા જઈ રહી છે.

આંદોલનના ઉદભવ સ્થાનેથી ભાજપમાં જોડાશે

માનગઢ ચોકમાં આવેલી સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસેથી આંદોલનની શરૂઆત થઈ હતી. આંદોલનનું કેન્દ્રબિંદુ માનગઢ ચોક રહ્યો હતો. ત્યારે હવે પાસ સાથે સંકળાયેલા આ યુવાનો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. વિધિવત રીતે બન્ને પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. જો કે, ક્યા મુદ્દે આ બન્ને નેતાઓ ભાજપમાં જોડાવાના છે તે અંગે સ્પષ્ટતા કરી નથી. કઈ ફોર્મ્યુલાના આધારે તેઓ ભાજપમાં જોડાશે તે હજુ કશુ જાહેર થયું નથી. 

યુવાનોનું સમર્થન લેવાયું-ધાર્મિક

ધાર્મિક માલવિયાએ કહ્યું કે, હાલ લોકસભાની ચૂંટણી અગાઉ જ વડીલો તથા સમાજના યુવાનોની ઈચ્છા હતી. રાજકીય રીતે પણ આપણું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે જરૂરી છે. જેથી કરીને આપમાંથી રાજીનામા આપ્યા બાદ યુવાનો સાથે બેઠકો યોજી હતી. તેમના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં તમામની એક જ ઈચ્છા હતી કે સતાપક્ષ સાથે રહીએ. જેથી આવતીકાલે ભાજપમાં વિધિવત રીતે જોડાવાનું નક્કી કર્યું છે.

હાર્દિક પટેલે પાર પાડ્યું ઓપરેશન!

ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલા PAAS આગેવાન અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા હતા. ત્યારે આ બંને સાથીઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. જોકે, ત્યારે તેમણે આપ છોડવાનો ઈનકાર કર્યો હતો. જોકે હવે હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા છે. ત્યારે હાર્દિક પટેલે જ આ બંને નેતાઓને ભાજપમાં જોડવા માટેનું ઓપરેશન પાર પાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અલ્પેશ કથીરિયાની રાજકીય કારકિર્દી

અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા. 30 ઓક્ટોબર 2022ના રોજ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022માં આમ આદમી પાર્ટીએ વરાછા વિધાનસભાથી ટિકિટ આપી હતી. સુરતના વરાછાથી કુમાર કાનાણી સામે કથીરિયા હાર્યા હતા. ત્યારબાદ 18 એપ્રિલ 2024ના રોજ કથીરિયાએ આપમાંથી રાજીનામું આપ્યું હતું. છોડ્યું હતું. તેમની સાથે ધાર્મિક માલવિયાએ પણ રાજીનામું આપ્યું હતું 

કોણ છે અલ્પેશ કથીરિયા?

અલ્પેશ કથીરિયા અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની છે. હાલ તેઓ નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહે છે. અલ્પેશ કથીરિયાએ LLBનો અભ્યાસ કર્યો છે. તેઓ વ્યવસાયે વકીલ છે. અલ્પેશ 2015થી ચર્ચામાં છે. અલ્પેશ કથીરિયાની હાર્દિક પટેલ સાથે 2015માં મુલાકાત થઈ હતી. ત્યારથી તેઓ પાટીદાર આંદોલનમાં જોડાયા હતા. અલ્પેશ કથીરિયા સામે એટ્રોસિટી અને રાજદ્રોહનો ગુનો નોંધાયેલો છે. તો અલ્પેશ કથીરિયા અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં હતા. જો કે તેમના પત્ની કાવ્યા પટેલ ભાજપના નેતા છે અને તેઓ કોર્પોરેટર રહી ચૂક્યા છે.

આ સમાચાર શેર કરો