મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : પાલડીના રામજી મંદિરમાં ગાદીનો વિવાદ, રાજસ્થાનના સંતને પ્રવેશબંધી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા રામાનંદ સંપ્રદાયના રામજી મંદિરમાં રામાનંદાચાર્ય પીઠન

અમદાવાદ : પાલડીના રામજી મંદિરમાં ગાદીનો વિવાદ, રાજસ્થાનના સંતને પ્રવેશબંધી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા રામાનંદ સંપ્રદાયના રામજી મંદિરમાં રામાનંદાચાર્ય પીઠની ગાદીનો વિવાદ સામે આવ્યો છે. આ મંદિરના ગાદીપતિના નિધન બાદ રાજસ્થાનના એક રામાનંદી સંતે ગાદી પર દાવો કર્યો છે, જો કે આ સંતને આશ્રમમાં પ્રવેશબંધી ફરમાવાઈ છે અને તેના બેનર મંદિરના ગેટ સહિત અન્ય જગ્યાએ લગાવી દેવામાં આવ્યા છે. સાથે મંદિરની અંદર અને બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

જગતગુરુ રામાનંદાચાર્યજી (બ્રહ્મલીન)

જગતગુરુ રામાનંદાચાર્યજી બ્રહ્મલીન થતા ઉભો થયો વિવાદ 

પાલડીનું રામાનંદ સંપ્રદાયના આ રામજી મંદિર, આશ્રમ અને રામાનંદાચાર્ય પીઠની સ્થાપના 1960માં જગતગુરુ રામાનંદાચાર્યજી દ્વારા કરવામાં આવી હતી. તેઓ બ્રહ્મલીન થતા  29મી તારીખે પોરબંદરના શીંગડા ખાતેના વિશ્રામ દ્વારકા શેષમઠમાં સ્વામી સર્વેશ્વરાચાર્યનો જગદગુરુ પદ પર પટ્ટાભિષેક કરવા સાથે તેમને પાલડી મંદિરના ગાદીપતિ જાહેર કરવામાં આવશે. 

મંદિરની અંદર અને બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

જો કે આ દરમિયાન મંદિરના સંતોને માહિતી મળી કે રામજી મંદિર તેમજ ગાદી પર કબ્જો જમાવવાના ઇરાદે રામાનંદ સંપ્રદાયના જ કેટલાક લોકો રાજસ્થાનના પાલીથી આવી રહ્યા છે. જેથી આ મામલે પાલડી પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરને અરજી કરવામાં આવી હતી. જેના અનુસંધાને મંદિરની અંદર અને બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

રાજસ્થાનના સંત વૈદેહીવલ્લભદેવાચાર્યને પ્રવેશબંધી કરાઈ 

રાજસ્થાનના પાલી જિલ્લાના ખોડમાં આવેલા રામજી મંદિરના સંત વૈદેહીવલ્લભદેવાચાર્યએ પાલડીના રામજી મંદિર, આશ્રમ અને રામાનંદાચાર્ય પીઠના ગાદીપતિ બનવાનો દાવો કર્યો છે. તેઓ પોતાના અનુયાયીઓ સાથે પાલડી આવી રહ્યાં હોવાની માહિતી મળી રહી છે. જો કે મંદિરના સંતો દ્વારા મંદિરમાં તેમની પ્રવેશબંધી કરવામાં આવી છે, તેમજ તેમના ફોટો અને નોટિસ સાથેના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. 

વૈદેહીવલ્લભદેવાચાર્યએ શા માટે ગાદીપતિ બનવાનો દાવો કર્યો? 

આ અંગે પાલડી રામજી મંદિરના સ્વામી વૈદેહીવલ્લભાચાર્ય મહારાજે કહ્યું કે રામજી મંદિરના ગાદીપતિ જગતગુરુ રામાનંદાચાર્યજી જયારે જીવિત હતા ત્યારે તેમને કોઈએ કહેલું કે રાજસ્થાનના પાલી જિલ્લાના ખોડમાં આવેલા રામજી મંદિરના સંત વૈદેહીવલ્લભદેવાચાર્ય ગાદીપતિ બનવા અને રામાનંદ સંપ્રદાયને આગળ લઇ જવામાં યોગ્ય છે. આથી જગતગુરુ રામાનંદાચાર્યજીએ વૈદેહીવલ્લભદેવાચાર્યને ભાવિ ગાદીપતિ જાહેર કરી દીધા હતા. જો કે બાદમાં તેમને જાણ થઇ કે તેમનો નિર્ણય યોગ્ય નથી, માટે તેઓએ વૈદેહીવલ્લભદેવાચાર્યને ભાવિ ગાદીપતિ નથી તેવો નિર્ણય કરી આ અંગે મોટી જાહેરાત પણ કરી દીધી હતી. જો કે હવે જગતગુરુ રામાનંદાચાર્યજી બ્રહ્મલીન થતા રાજસ્થાનના રામાનંદી સંત વૈદેહીવલ્લભદેવાચાર્ય પોતે આ મંદિરના ગાદીપતિ હોવાનો દાવો કર્યો છે. 

પાલડી મંદિરના મહારાજ વૈદેહીવલ્લભાચાર્ય

વૈદેહીવલ્લભદેવાચાર્ય ગાદી-મઠની પરંપરા તોડવા માંગે છે રાજસ્થાનના સંત : પાલડી મંદિરના મહારાજ વૈદેહીવલ્લભાચાર્ય

પાલડી મંદિરના મહારાજ વૈદેહીવલ્લભાચાર્યએ કહ્યું કે રાજસ્થાનના સંત વૈદેહીવલ્લભદેવાચાર્ય રામાનંદ સંપ્રદાયના ગાદી-મઠની પરંપરા તોડવા માંગે છે અને મંદિર પર કબ્જો કરવા માંગે છે. રામાનંદાચાર્યજી બ્રહ્મલીન થયા તે પહેલા જ તેમના ઉત્તરાધિકારી તરીકે સ્વામી સર્વેશ્વરાચાર્યને નિયુક્ત કરીને ગયા હતા. આમ છતાં  રાજસ્થાનના સંત વૈદેહીવલ્લભદેવાચાર્ય પોતાના અનુયાયીઓ સાથે મંદિર પર કબ્જો કરવા આવી રહ્યા છે, જે યોગ્ય નથી. આથી મંદિરની અંદર અને બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને તેમને મંદિરમાં પ્રવેશબંધી કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો