ગાંધીનગરમાં જિલ્લા આરોગ્ય કર્મચારીઓની અટકાયત બાદ બેઠકમાં રણનીતિની ચર્ચા
રાજ્યનું પાટનગર ગાંધીનગર છેલ્લા ઘણા સમયથી આંદોલનનું હબ બનતું જઈ રહ્યું

રાજ્યનું પાટનગર ગાંધીનગર છેલ્લા ઘણા સમયથી આંદોલનનું હબ બનતું જઈ રહ્યું છે. કારણ કે, એકબાજું વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે તો બીજી બાજું આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો, ટાટના ઉમેદવારો ઉપરાંત લેબ ટેક્નિશિયનો તેમજ આંગણવાડી કર્મચારીઓ આંદોલન કરતા આવ્યા છે. જો કે એ વાત જુદી છે કે, રાજ્ય સરકાર એકપણ આંદોલનને મચક નથી આપી રહી.
ગત સોમવારથી આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે ત્યારે રાજયભરમાંથી જિલ્લા આરોગ્ય કર્મીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પત્ર આપવાના હતા. જેથી કોઈપણ કાળે આ આંદોલન ડામી દેવાની પણ વેતરણ ચાલી રહી હતી.
ગાંધીનગર શહેરમાં રાજ્યભરમાંથી આરોગ્ય કર્મચારીઓ મુખ્યમંત્રીને મળીને પોતાની માંગણીઓને લઈ આવેદનપત્ર આપવા આવ્યા હતા. પરંતુ આંદોલનના પગલે વહેલી સવારથી ગાંધીનગરમાં પોલીસે કિલ્લેબંધી કરી રાખી હતી. જેથી કોઈપણ વ્યકિત આગળ વધી ન શકે. જો કે બપોર પોલીસે રણજીતસિંહ મોરી સહિત આરોગ્ય કર્મચારીઓના પ્રમુખની અટકાયત કરી હતી. ત્યારબાદ મોડી સાંજે તમામને છોડી મૂક્યા હતા. જે બાદ તમામ આંદોલનમાં રહેલા આરોગ્ય કર્મચારીઓ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જ્યાં દરેકે મોબાઈલ ફોન લાઈટ ચાલુ રાખીને મક્કમતા દાખવી બેઠક કરીને આગળની રણનીતિ અંગે ચર્ચા કરી હતી.






