પર્યાવરણ દિવસ/ આ વખતની કાળઝાળ ગરમી અને તાપમાનમાં થયેલા વધારાએ બતાવ્યું વૃક્ષોનું મહત્વ
ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં આ વર્ષે પડેલી આકરી અને કાળઝાળ ગરમી અને તાપમાનમાં ન

ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં આ વર્ષે પડેલી આકરી અને કાળઝાળ ગરમી અને તાપમાનમાં નોંધાયેલા અસાધારણ વધારાએ આપણને બધાને એક મહત્વપૂર્ણ પાઠ શીખવ્યો છે. એને ચેતવણી કહો કે જરૂરિયાત, પરંતુ જો આપણે પ્રકૃતિનું સંતુલન જાળવી રાખવું હોય આવનારી પેઢી માટે સુરક્ષિત ભવિષ્ય બનાવવું હોય તો આપણે વૃક્ષોની સંખ્યા વધારવી પડશે. વૃક્ષારોપણને આપણી દિનચર્યાનો એક ભાગ બનાવવો પડશે અને તો જ આપણે આપણા દેશને અને આવનારી પેઢીઓને આબોહવા પરિવર્તનનાં વિનાશક સંકટમાંથી બચાવી શકીશું. પર્યાવરણવિદ વિરલ દેસાઈએ "વિશ્વ પર્યાવરણ દિવસ" પર આ વિચાર વ્યક્ત કરીને પર્યાવરણની જાળવણી પર વિશેષ ભાર મૂક્યો છે.
આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ સંકટનો સામનો કરી રહ્યા છીએ. આ વર્ષે દેશના ઘણા વિસ્તારો અને શહેરોમાં તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. વન નાબૂદી અને વૃક્ષોના નુકશાનથી તાપમાનમાં તીવ્ર ફેરફાર થાય છે. પર્યાવરણીય અસંતુલન, જમીનનું ધોવાણ, પાકની ઉપજમાં ઘટાડો, વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓમાં વધારો જેવી સમસ્યાઓ માનવ સમુદાય માટે ઘાતક સાબિત થઈ રહી છે. આજે, તાપમાનમાં ઝડપી ફેરફારોની અસર માત્ર મનુષ્યો માટે જ નહીં પરંતુ પૃથ્વી પર રહેતા તમામ જીવો માટે મોટો ખતરો બની ગઈ છે. વિરલ દેસાઈ કહે છે કે, જો આપણે વૃક્ષોની સંભાળ રાખીએ તો આ બધી સમસ્યાઓથી બચી શકાય છે. વૃક્ષો પર્યાવરણની જાળવણી માટે અનેક રીતે ઉપયોગી છે. પ્રદૂષણ ઘટાડવા ઉપરાંત, વૃક્ષો તાજી હવા પણ પૂરી પાડે છે અને માનવ જીવનની વિવિધ જરૂરિયાતો પૂરી કરે છે. એક વૃક્ષ દરરોજ ચાર લોકો માટે જરૂરી ઓક્સિજન ઉત્પન્ન કરે છે. વૃક્ષો જૈવવિવિધતા સાથે પાણી અને જમીનનું સંરક્ષણ કરે છે અને આબોહવા પરિવર્તનને નિયંત્રિત કરે છે.
પૃથ્વીના વૃક્ષો દરરોજ એક યોદ્ધાની જેમ પોતાની ધરતી અને પરિવારની સંભાળ રાખે છે. આપણો પ્રયાસ એવો હોવો જોઈએ કે, આપણે આવનારી પેઢીઓ વારસામાં સ્વચ્છ વાતાવરણ આપીને જઇએ. માનવીએ વૃક્ષોને જીવનનો મહત્વનો ભાગ માનવો જોઈએ અને તેનું રક્ષણ કરવું જોઈએ. વૃક્ષો વાતાવરણમાંથી CO2 શોષી લે છે તેથી ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનને રોકવા માટે વૃક્ષો વાવવા એ સૌથી અસરકારક જૈવિક ઉપાય છે. વૃક્ષોની સંખ્યા જેટલી વધુ હશે તેટલું જ સ્વચ્છ, સુંદર અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. જો દરેક વ્યક્તિ એવો સંકલ્પ લે કે, તેણે રસ્તાના કિનારે બે વૃક્ષો વાવવાના છે તો કોઈ રસ્તો વૃક્ષો વિના નહીં રહે અને પર્યાવરણનું પ્રદૂષણ પણ બચી જશે. વૃક્ષારોપણ એ માત્ર વહીવટીતંત્રની જવાબદારી ન હોવી જોઈએ, પરંતુ દરેક વ્યક્તિએ તેને પોતાની નૈતિક જવાબદારી ગણવી જોઈએ, તે જ આજના સમયની માંગ છે.
વિરલ દેસાઈએ ક્લાઈમેટ ચેન્જ અને તેની સામે જરૂરી પગલાં, પર્યાવરણ સંરક્ષણની જરૂરિયાત, ગ્લોબલ વોર્મિંગ કટોકટીથી બચવા માટે જરૂરી પગલાં જેવા અનેક મહત્વના વિષયો પર પ્રવચનો રજૂ કર્યા છે. તેમણે પર્યાવરણ સંરક્ષણ માટે પુસ્તકો પણ લખ્યા છે. પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં તેમનું સૌથી મોટું યોગદાન વૃક્ષારોપણ છે. અત્યાર સુધીમાં તેમણે શહેરો, નગરો અને ઘણા ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 5 લાખથી વધુ વૃક્ષો વાવ્યા છે. તેમણે સુરતમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આ ફાઉન્ડેશન હેઠળ તેમણે કેન્સર કેમ્પ, શિક્ષણ કાર્ય અને રોજગારનું કામ કર્યું છે અને હાલમાં પણ કરી રહ્યા છે. તેમના ફાઉન્ડેશન હેઠળ તેમણે 'ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા' અને "સત્યાગ્રહ અગેન્ટ્સ પોલ્યુશન અને ક્લાઈમેટ ચેન્જ" જેવા મોટા પાયે જાગૃતિ અભિયાનો પણ શરૂ કર્યા છે. વિરલ દેસાઈ ગુજરાતના એકમાત્ર એવા ઉદ્યોગસાહસિક છે, જેમને કુલ ચાર વાઈબ્રન્ટ સમિટ દરમિયાન સર્વશ્રેષ્ઠ ઉદ્યોગનો એવોર્ડ મળ્યો છે. તેમના દ્વારા સંચાલિત જિનેટિક્સ ઈન્ડસ્ટ્રીઝને 'નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ' પણ મળ્યો છે. પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠ સેવાકીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દ્વારા તેમને પુરસ્કાર આપવામાં આવ્યાં છે.






