ગુજરાત પર મેઘરાજા મહેરબાન : સૌરાષ્ટ્રના 3 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો સરદાર સરોવર નર્મદા ડેમ કેટલો ભરાયો
Gujarat rain : રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો વાગડીયા, વાંસલ અને સસોઈ-2 સંપૂર્ણ છ

Gujarat rain : રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો વાગડીયા, વાંસલ અને સસોઈ-2 સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમ 54 ટકા ભરાયો
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,81,229 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.25 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,98,227 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 35.38 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
સૌરાષ્ટ્રના 3 ડેમ 100 ટકા, રાજ્યના 8 ડેમ 80 ટકા ભરાયા
આજે18 જુલાઈ સવારે 8 કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-2 ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના 8 ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર છે. જેમાં જૂનાગઢના ઓઝત-૨ અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-૨ તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-૧ તથા પોરબંદરના સારણ ડેમને એલર્ટ અપાયું છે.
રાજ્યના કુલ 7 જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર(કે.બી.), ઉંડ-3 અને રૂપારેલ, રાજકોટના આજી-2 અને ન્યારી-2 તથા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 38.57 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 37.23 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 31.54 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.33 ટકા, કચ્છના 20 જળાશયોમાં 22.92 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.








