VIDEO: સાબરકાંઠા પોલીસની મોટી કાર્યવાહી! કેસરપુરામાં ગાંજાના વાવેતર પર ત્રાટકી પોલીસ, 1 આરોપીની અટકાયત
VIDEO: સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેસરપુરા ગામની સીમમાં ખેતીની આડમાં નશીલા પદાર્થનું વાવેતર થતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. વડાલી પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને લાખોની કિંમતનો લીલો ગાંજો ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે પોલીસના દરોડા
વડાલી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કેસરપુરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં અન્ય પાકની આડમાં પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીને આધારે પોલીસે તાત્કાલિક અસરથી દરોડા પાડ્યા હતા. ખેતરમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ત્યાં મોટા પાયે ગાંજાના છોડ ઉછેરવામાં આવ્યા હતા.
68 છોડ અને 20 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસની તપાસ દરમિયાન ખેતરમાંથી લીલા ગાંજાના કુલ 68 છોડ મળી આવ્યા હતા, જેનું વજન 40 કિલોગ્રામ કરતાં વધુ થવા જાય છે. આ જથ્થાની બજાર કિંમત અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 20 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. ઘટનાની ગંભીરતા જોતા એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ હાથ ધરવામાં આવી છે.
યુવાધન બરબાદીના પથ પર
આ ગુનામાં પોલીસે ખેતરના માલિક અથવા વાવેતર કરનાર મનજી રામજી ડુંડ નામના આરોપીની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ વાવેતર છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવ્યું હતું. માદક પદાર્થોના આ દૂષણને કારણે આજનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ત્યારે વડાલી પોલીસની આ કાર્યવાહીને મોટી સફળતા માનવામાં આવી રહી છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગાંજાનો જથ્થો ક્યાં સપ્લાય કરવાનો હતો અને આમાં અન્ય કોણ સંડોવાયેલું છે.

