VIDEO: હિંમતનગરમાં 'ઝેરી દૂધ' મામલે જનતાનો રોષ ફાટી નીકળ્યો, કેમિકલયુક્ત દૂધના વેપલા સામે કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર
VIDEO: સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કેમિકલયુક્ત અને ઝેરી દૂધનો કાળો કારોબાર ફાલ્યો છે. ગત રોજ પ્રાંતિજના સલાલ વિસ્તારમાંથી હજારો લિટર ઝેરી દૂધનો જથ્થો ઝડપાયા બાદ આજે હિંમતનગર સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચકચારી દ્રશ્યો જોવા મળ્યા હતા. વહીવટી તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતા સામે સ્થાનિક યુવકે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભ્રષ્ટાચારના નારા સાથે મટકી ફોડાઈ
પ્રાંતિજના અનિલ પટેલ નામના યુવકે આજે કલેક્ટર કચેરીમાં અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. અનિલ પટેલે કચેરીમાં દૂધની મટકી ફોડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. "ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ભ્રષ્ટાચાર બંધ કરો"ના સૂત્રોચ્ચાર સાથે સમગ્ર કચેરી ગુંજી ઉઠી હતી. યુવકનો આરોપ છે કે જિલ્લામાં 13૦૦ લિટરથી વધુ ઝેરી દૂધ પકડાયું હોવા છતાં જવાબદારો સામે હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
જનતાનાં આરોગ્ય સાથે ચેડાં
ઉલ્લેખનીય છે કે, પ્રાંતિજના સલાલ ગામેથી 1300 લિટરથી વધુ કેમિકલયુક્ત દૂધ મળી આવ્યું હતું, જે લોકોનાં સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. તહેવારોના સમયે આવા ઝેરી દૂધનું વેચાણ ચિંતાનો વિષય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ફૂડ વિભાગના અધિકારીઓની રહેમનજર હેઠળ આ ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડવાની શક્યતા છે અને આવનારા દિવસોમાં તપાસનો ધમધમાટ તેજ થઈ શકે છે.

