VIDEO: ગૅસ માટે ગ્રાહકોના ધક્કા! હિંમતનગરના ઈલોલ ગામે એજન્સી સંચાલકો સામે લોકોનો હોબાળો
VIDEO: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઈલોલ ગામમાં આવેલી ઈન્ડિયન ગૅસ એજન્સી આજે સવારે જાણે રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. એજન્સીમાં ચાલતી લાલિયાવાડી અને સંચાલકોની મનસ્વી નીતિથી કંટાળેલા ગ્રાહકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ગૅસ સિલિન્ડર માટે વલખાં મારી રહેલા લોકોની ધીરજ આજે ખૂટી પડી હતી.
બુકિંગ છતાં સિલિન્ડર નથી: ગ્રાહકોના ગંભીર આક્ષેપ
સ્થાનિક લોકો અને આજુબાજુના ગામોમાંથી આવેલા ગ્રાહકોનું કહેવું છે કે તેમણે લાંબા સમયથી ગેસ સિલિન્ડરનું ઓનલાઇન કે ઓફલાઇન બુકિંગ કરાવેલું છે. નિયમ મુજબ સમયસર વિતરણ થવું જોઈએ, પરંતુ જ્યારે ગ્રાહકો એજન્સી પર પૂછપરછ કરવા જાય છે, ત્યારે તેમને માત્ર "ધક્કે ચડાવવામાં" આવે છે. ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો કે સંચાલકો દ્વારા "ગાડી આવી નથી" અથવા "સ્ટોક ખાલી છે" જેવા બહાના કાઢીને તેમને પરત મોકલી દેવામાં આવે છે.
ગ્રાહકોની હાલાકી
ઈલોલ ગામની આ એજન્સી હેઠળ માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના અનેક કનેક્શનો આવેલા છે. અંતરિયાળ વિસ્તારોમાંથી ભાડું ખર્ચીને આવતા ગ્રાહકોને જ્યારે ખાલી હાથે પરત જવું પડે છે, ત્યારે તેમની આર્થિક અને માનસિક સ્થિતિ કફોડી બને છે. ગૃહિણીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે સમયસર ગેસ ન મળતા રસોઈ બનાવવામાં મુશ્કેલી પડી રહી છે.
વહીવટી તંત્ર પાસે માગ
આજે સવારે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા ત્યારે એજન્સી પર વાતાવરણ તંગ બની ગયું હતું. લોકોની એક જ માગ છે કે બુકિંગ પ્રમાણે પારદર્શક રીતે ગેસ વિતરણ કરવામાં આવે અને ગ્રાહકોને ખોટા ધક્કા ખવડાવવાનું બંધ કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

