VIDEO: હિંમતનગરમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર બે શખ્સો ઝડપાયા, નકલી પોલીસ બની કરી હતી લાખોની તોડબાજી
સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસે બે નકલી પોલીસને ઝડપી પાડી જેલભેગા કર્યા છે. એક મહિના અગાઉ આ ઠગોએ પોલીસની ઓળખ આપી એક યુવકને અફીણના કેસમાં ફસાવવાની ધમકી આપી 10 લાખની માંગણી કરી હતી, જેમાંથી 8 લાખ રૂપિયા પડાવી લીધા હતા. બાકીના 2 લાખ માટે ધમકીઓ આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. હિંમતનગર એ-ડિવિઝન પોલીસે છટકું ગોઠવી તોડબાજી કરનારા બંને યુવકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ હોવાની ઓળખ આપી અપહરણ કર્યું
હિંમતનગરમાં પોલીસની ઓળખ આપી ₹8,00,000 રૂપિયા પડાવનાર નકલી પોલીસ, અસલી પોલીસના હાથે અંતે ઝડપાઇ ગઈ છે. એકાદ માસ અગાઉ રતન કિશનલાલ સુથાર પાસે આ બે યુવાનોએ અફીણની પડીકી મંગાવી હતી અને બાદમાં પ્રાંતિજના સોનાસણ ગામના વિપુલ રેવાભાઇ વણકર અને કાંકણોલ રોડ પર રહેનારા વિરેન્દ્રકુમાર રોશનલાલ ખટીક નામના યુવાનોએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી રતન સુથારનું અપહરણ કર્યું હતું.
બંને યુવાનો પર શંકા જતા ફરિયાદી ગુનો નોંધાવ્યો
અપહ્યુતને છોડાવવા માટે રતનલાલના બનેવી સુરેન્દ્ર સત્યનારાયણ સુથાર પાસે દસ લાખ રૂપિયાની માગણી કરી હતી. જેમાંથી પહેલા તેઓએ 8 લાખ રૂપિયા મેળવ્યા હતા અને બાકીના બે લાખ રૂપિયા લેવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. જેને લઇને આ બંને યુવાનો પર શંકા જતા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ત્યારે હિંમતનગર એ ડિવિઝનની અસલી પોલીસે આ નકલી પોલીસને ઝડપી લીધા હતા અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

