સાબરકાંઠા: પાલિકાની સભા કે પિકનિક? હિંમતનગરથી 35 કિમી દૂર મોંઘાદાટ રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ બજેટ બેઠક

Sabarkantha: સામાન્ય રીતે નગરપાલિકાના બજેટની ચર્ચાઓ પાલિકાના સભાખંડમાં થતી હોય છે, પરંતુ હિંમતનગર નગરપાલિકાએ એક નવી અને વિવાદાસ્પદ પ્રણાલી શરૂ કરી છે. પાલિકાનું આગામી બજેટ રજૂ કરવા માટે શહેરથી 35 કિલોમીટર દૂર એક આલીશાન ખાનગી રિસોર્ટની પસંદગી કરવામાં આવી છે. આ હાઈપ્રોફાઈલ આયોજનને લઈને અત્યારે સમગ્ર જિલ્લામાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
જનતાના પૈસે રિસોર્ટમાં મોજ-મજા?
મળતી માહિતી મુજબ, જે રિસોર્ટમાં આ બજેટ સભા ગોઠવવામાં આવી છે, ત્યાં એક દિવસના રોકાણનું ભાડું અંદાજે રૂપિયા 28,500 જેટલું જંગી છે. જ્યાં શહેરમાં પ્રાથમિક સુવિધાઓ માટે બજેટની અછત હોવાની બૂમો પડતી હોય, ત્યાં નગરસેવકો સેવા કરવાના નામે જનતાના નાણાંથી મોંઘાદાટ મેવા અને ખાણીપીણીની મોજ માણશે. ડેસ્ટિનેશન વેડિંગની જેમ હવે 'ડેસ્ટિનેશન બજેટ સભા'ની આ ફેશન ચર્ચાસ્પદ બની છે.
સવાલોના ઘેરામાં પાલિકા તંત્ર
આ આયોજન પાછળ લાખો રૂપિયાનો ધૂમાડો થવાની શક્યતા છે. સામાન્ય નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પાલિકાનો સભાખંડ આટલી મહત્ત્વની સભા માટે ટૂંકો પડતો હતો? શું બજેટ જેવી ગંભીર પ્રક્રિયા મોંઘા રિસોર્ટ અને લક્ઝરી સુવિધાઓ વચ્ચે જ સફળ થઈ શકે? વિપક્ષ અને જનતામાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે અને આને 'સત્તાનો દુરુપયોગ' ગણાવવામાં આવી રહ્યો છે

