Sabarkantha news: વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાંથી 80 લાખથી વધુનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

Sabarkantha news: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે સ્ટેશન પર રેલવે પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું હતું. પહેલા દરિયાઈ માર્ગો બાદ હવે રેલવેમાં ડ્રગ્સની હેરાફેરી શરૂ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાંથી મેથાએમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ ડ્રગ્સનો બિનવારસી જથ્થો મળી આવ્યો હતો. રેલવે પોલીસ દ્વારા બેગની તપાસ દરમિયાન રૂપિયા 80 લાખ કરતાં વધુનો મુદામાલ ઝડપાયો હતો.
મળતી માહિતી અનુસાર, હિંમતનગર રેલવે સ્ટેશન પર પસાર થતી વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં સાબરકાંઠા રેલવે પોલીસ દ્વારા તપાસ દરમ્યાન બિનવારસી ડ્રગ્સ મળ્યા બાદ પોલીસ દોડતી થઈ હતી. દિવાળીના તહેવાર સમયે રેલવે ટ્રેનમાંથી લાખોની કિંમતનું ડ્રગ્સ મળી આવતા હિંમતનગર સ્થાનિક પોલીસ સહિત રેલવે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. મધ્યપ્રદેશથી અસારવા આવતી વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું હતું. જે દરમ્યાન રેલવે પોલીસને 792 ગ્રામ મેથાએમ્ફેટામાઈન ડેરિવેટિવ્સ ડ્રગ્સ ઝડપાયું હતું.
મેથાએમ્ફેટામાઇન ડેરીવેટિવ્સ 1 ગ્રામ ડ્રગ્સની કિંમત આશરે 10 હજાર રૂપિયા થવા જાય છે. જેથી 80 લાખના ડ્રગ્સના મુદામાલ સાથે તપાસ રેલવે એએસોજીને સોંપાઈ છે. આ ડ્રગ્સનો મુદામાલ મધ્યપ્રદેશથી લવાતો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ડ્રગ્સની સપ્લાઇ કરનાર તેમજ ખરીદનાર સહિતની દિશામાં તપાસ શરૂ કરવામાં આવશે. ડ્રગ્સની બજાર કિંમત 2 કરોડ કરતા વધુ હોવાની પોલીસને આશંકા છે. ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયા બાદ રેલવે એસસોજી, એટીએસ સહિતની ટીમો સંયુક્ત રીતે તપાસ કરશે.

