Sabarkantha news: ભાજપના પૂર્વ ઉપપ્રમુખના બંગલામાંથી કોલ સેન્ટર ઝડપાયું, લોન આપવવાની લાલચે કરાતી છેતરપિંડી

સાબરકાંઠાના ઈડરમાં ભાજપના પૂર્વ ઉપપ્રમુખના બંગલામાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. SMCની ટીમે ઈડર-બરવાવ રોડ પર આવેલા આ ઈન્ટરનેશનલ કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા. મુકેશ સોલંકીના બંગલામાં છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલતુ હતુ. અહીંથી વિદેશોમાં લોન આપવાની લાલચે છેતરપિંડી કરવામાં આવતી હતી. ડોલરમાંથી ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરીને કરોડોની છેતરપિંડી થતી હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલના આ દરોડા 15 કલાકથી વધુ સમય સુધી ચાલ્યાં. રેડ દરમિયાન SMC ટીમે 40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈસ્પીડ રાઉટર, હેડફોન, ચાર્જર, કેબલ સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ 10 આરોપીની અટકાયત કરાઇ છે, સાથે મોંઘી કાર કબજે લેવાઈ છે. સૌથી ચોંકાવનાર વાત એ છે કે,ઓનલાઈન ક્લાસિસ ચલાવવાના નામે ઠગબાજોએ ભાડા કરાર કર્યો હતો. ક્લાસિસના નામે ચાલતા આ ગેરકાયદેસર કોલ સેન્ટરને લઈને સ્થાનિક પોલીસ પણ શંકાના દાયરામાં છે.
આવનાર દિવસોમાં SMCની તપાસમાં છેતરપિંડી મામલે મોટા ખુલાસા થઈ શકે છે.

