Sabarkantha news: ઈડર તાલુકાના રેવાસ ગામમાં ગૅસ કનેક્શન નહીં, પણ 'ગેસનું ભૂતિયું બિલ'!
Sabarkantha news: સાબરકાંઠાના ઈડર તાલુકાનું રેવાસ ગામ આજે સાબરમતી

Sabarkantha news: સાબરકાંઠાના ઈડર તાલુકાનું રેવાસ ગામ આજે સાબરમતી ગૅસ કંપનીની બેદરકારીનો ભોગ બન્યું છે. ગ્રાહકોએ મોટી ડિપોઝિટ ભરી દીધી, પાઈપલાઈન નખાઈ ગઈ, પણ ગૅસ નથી મળતો. છેલ્લા એક વર્ષથી કામગીરી ટલ્લે ચઢી છે, પરંતુ આનાથી પણ મોટી ચોંકાવનારી બાબત એ છે કે, ગૅસનો ઉપયોગ કર્યા વગર જ કંપનીએ ગ્રાહકોને રૂપિયા 15૦૦થી રૂપિયા 2૦૦૦ રૂપિયાના બિલ પકડાવી દીધા છે. કંપનીની આ લાલિયાવાડી સામે આજે
ગામની મહિલાઓએ વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠાના ઈડર તાલુકાનું રેવાસ ગામ, જ્યાં રહેતા ૩૦૦ જેટલા પરિવારો વિકાસની રાહ જોઈ રહ્યા હતા. વર્ષ 2024માં સાબરમતી ગૅસ કંપની દ્વારા અહીં પાઈપલાઈન ગૅસ કનેક્શન આપવાની મહત્વની કામગીરી શરૂ કરવામાં આવી. કંપનીએ પહેલા તો દરેક ગ્રાહક પાસેથી ગૅસ કનેક્શન આપવાના નામે મોટી રકમ ડિપોઝીટ પેટે ભરાવી દીધી. ગ્રાહકોને વિશ્વાસ હતો કે, હવે સિલિન્ડરના મોંઘવારીમાંથી મુક્તિ મળશે, ડિપોઝિટ ભરાયા બાદ મોટા ભાગના ઘરોમાં પાઈપલાઈન નાખવાની અને ગેસ મીટર ફીટ કરવાની કામગીરી પૂરી પણ થઈ ગઈ. પરંતુ, અહીં જ કંપનીની ઘોર બેદરકારી સામે આવી. મીટર લાગ્યા પછી પણ, છેલ્લા એક વર્ષથી આ કનેક્શનમાં ગેસનો સપ્લાય શરૂ કરવામાં આવ્યો નથી. એટલે કે, ગ્રાહકો પાસે ઇન્સ્ટોલેશન છે, ડિપોઝિટની પહોંચ છે, પણ ગૅસ નથી. એક વર્ષથી કામગીરી ટલ્લે ચડી છે, અને ગ્રાહકો આજે પણ સિલિન્ડર પર નિર્ભર રહેવા મજબૂર બન્યા છે. કંપનીની ધીમી અને અણઘડ કામગીરીએ રેવાસના ૩૦૦ પરિવારોને હેરાનગતિમાં મૂકી દીધા છે.
આ તો માત્ર હેરાનગતિની શરૂઆત હતી. પરંતુ કંપનીની ગંભીર બેદરકારીની પરાકાષ્ઠા તો ત્યારે આવી, જ્યારે ગેસનો એક પણ યુનિટ ન વાપરનારા આ ગ્રાહકોને કંપનીએ ગૅસના બિલ પકડાવી દીધા. અહીંના ગ્રાહકોના મતે, તેઓને 15૦૦થી લઈ 2૦૦૦ સુધીના બિલ મોકલવામાં આવ્યા છે. ગ્રાહકોનો સવાલ સીધો છે, કનેક્શન લાગ્યું નથી, મીટર ફર્યું નથી, તો બિલ શાના, કંપનીના આ અયોગ્ય વહીવટથી રોષે ભરાયેલી રેવાસની મહિલાઓ હવે શાંત બેસે તેમ નથી.
મોટી સંખ્યામાં મહિલાઓએ ભેગા થઈ સાબરમતી ગૅસ કંપનીના વહીવટ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો, અને સૂત્રોચ્ચાર કર્યા. મહિલાઓની માંગણી સ્પષ્ટ છે કે, છેલ્લા એક વર્ષથી જે કનેક્શનની કામગીરી અટકેલી છે, તે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને ખોટી રીતે મોકલાયેલા આ તમામ બિલો રદ કરવામાં આવે. કંપનીએ ડિપોઝિટ લીધા બાદ પણ સુવિધા ન આપી, અને ઉપરથી ખોટા બિલો આપી ગ્રાહકોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે, જેને રેવાસના ગ્રાહકો ચલાવી લેવા તૈયાર નથી. કંપનીના અધિકારીઓ હજી પણ આ મામલે મૌન સેવી રહ્યા છે, જે તેમની બેજવાબદારી છતી કરે છે.
સૌથી મોટો સવાલ એ છે કે, આખરે આ લાલિયાવાડી ક્યાં સુધી ચાલશે, સાબરમતી ગૅસ કંપનીની આ ગંભીર બેદરકારીની જવાબદારી કોણ લેશે.? ગ્રાહકોએ વિશ્વાસ મૂકીને ડિપોઝિટ ભરી, પણ તેમને બદલામાં મળ્યું માત્ર શૂન્ય સપ્લાય અને મોટી રકમના ખોટા બિલ! શું કંપનીના અધિકારીઓ માને છે કે, આ ગ્રાહકોને બેવડો માર સહન કરવો પડશે.



