નસવાડીના ગોયાવાંટથી કુકરદા સુધીનો રસ્તો બિસ્માર, 10 વર્ષથી રોડ ન બનતા 50 ગામના લોકોને અસર
ગુજરાતને વિકાસશિલ અને મોર્ડન રાજ્ય ગણવામાં આવે છે. રોડ રસ્તા પાછળ સરકાર ખૂબ ખર્ચ કરે છે.

ગુજરાતને વિકાસશિલ અને મોર્ડન રાજ્ય ગણવામાં આવે છે. રોડ રસ્તા પાછળ સરકાર ખૂબ ખર્ચ કરે છે. ત્યારે રાજ્યના અંતરિયાળ વિસ્તારના રસ્તાઓની અવદશા ઉડીને આંખે વળગે તેવી છે. છોટાઉદેપુર જિલ્લાના ઘણા રસ્તાઓ એવા છે. જે વર્ષોથી નવા બનવાની રાહ જોઈ રહ્યાં છે. લોકો પરેશાન થઈ રહ્યાં છે તેમ છતાં રસ્તા પર ડામર ન પથરાતો હોવાનું સામે આવ્યું છે.
કપચી પણ ઉખડી ગઈ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગોયાવાંટથી કુકરદા ગામ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે. આ રસ્તા ઉપર 50થી વધુ ગામોના લોકો અવર જવર કરે છે. બિસ્માર રસ્તાના કારણે ડામર રસ્તામાં વપરાયેલી કપચી રોડમાંથી ઉખડી ગઈ હોવાથી બાઇક ઢાળ ઉપર સ્લીપ મારી જાય છે. અનેક વાહન ચાલકો સ્લિપ મારતા રોડ ઉપર પટકાઈ છે. અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે.
લોકોમાં નારાજગી
પંચાયત માર્ગ મકાન વિભાગનો રસ્તો છે. અધિકારીઓ રોડના ખાડા પણ પુરાવતા નથી. જ્યારે ઢાળ વાળો અને વળાંક વાળો રસ્તો છે. ત્યાં બોર્ડ પણ મારવામાં નથી આવ્યા. બહારથી આવતા વાહન ચાલકો અચાનક રસ્તા ઉપર ઢાળ આવી જતા સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દે છે. 10 વર્ષ પહેલા આ રસ્તો બન્યો હતો 10 વર્ષથી રસ્તો નવો બનાવવા માટે સરકાર કોઈ પ્રયત્ન હાથ ન ધરતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.






