માર્ગ અકસ્માત: વટામણ-ધોલેરા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ટક્કર, 4ના મોત, પાંચ ઈજાગ્રસ્ત
રાજ્યમાં ફરી એક વખત ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.

રાજ્યમાં ફરી એક વખત ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઘણા સમયથી માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વટામણ -ધોલેરા હાઈવે પર ભોળાદ ગામના પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત અને 5 લોકોને ઈજા પહોચી હતી.
ઈજાગ્રસ્તોમાં બે બાળકો સહિત એક પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોને સારવાર અર્થે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને અકસ્માતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.






