મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડાકોરમાં ફાગણી પૂનમ પૂર્વે તંત્રના દાવા પોકળ: 27 લાખના RO મશીનો શોભાના ગાંઠિયા સમાન, રસ્તાઓ ચિથરેહાલ

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એક તરફ ખેડા જિલ્લા વહ

તસવીર: GSTV

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એક તરફ ખેડા જિલ્લા વહીવટી તંત્ર તડામાર તૈયારીઓના દાવા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ GSTVના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં ડાકોરની વરવી વાસ્તવિકતા સામે આવી છે. લાખો ભાવિક ભક્તો જેમના દર્શનાર્થે આવવાના છે, તેવા આ પવિત્ર ધામમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.

ભક્તોને 10 થી 20 રૂપિયા ખર્ચીને પાણીની બોટલ ન ખરીદવી પડે તે હેતુથી બે વર્ષ પહેલા આશરે 27 લાખના ખર્ચે 5 જેટલા 'જલધારા' RO વોટર મશીનો મુકવામાં આવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે આ મશીનો લોકાર્પણના માત્ર 10 જ દિવસમાં બંધ થઈ ગયા હતા. આજે મંદિરના મુખ્ય દરવાજા, ગોમતી ઘાટ, જૂની નગરપાલિકા અને બોડાણા બાવલા જેવા મુખ્ય વિસ્તારોમાં આ મશીનો માત્ર શોભાના ગાંઠિયા સમાન ઉભા છે. માત્ર યાત્રિકો જ નહીં, ડાકોરના સ્થાનિક રહીશો પણ તંત્રના પાપે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નાની ભાગોળ વિસ્તારની મહિલાઓએ પાણી માટે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે છેલ્લા 4 મહિનાથી પીવાનું પાણી આવતું જ નથી. ઉનાળાની શરૂઆતે જ ડાકોરમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે.

શહેરના રસ્તાઓની હાલત પણ અત્યંત દયનીય છે. ભાજપ શહેર પ્રમુખના જણાવ્યા અનુસાર, મંગળસેવા ધામથી મુખ્ય કુમારશાળા સુધીનો આઇકોનિક રોડ 7 વખત બનાવવામાં આવ્યો છે! જે રસ્તો પ્રથમ વખત 40 લાખના ખર્ચે બન્યો હતો, ત્યાં વારંવાર કામગીરી છતાં રસ્તાઓ ઉબડ-ખાબડ છે. વિક્રમ વિજય દ્વારથી આગળનો રસ્તો ચિથરેહાલ હાલતમાં છે, જેના કારણે ભક્તો અને નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ખુદ ભાજપ શહેર પ્રમુખે આ બાબતે જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડી છે. ફાગણી પૂનમ જેવા મોટા ઉત્સવ સમયે જ્યારે આખું ગુજરાત ડાકોર તરફ પ્રયાણ કરતું હોય, ત્યારે પીવાનું પાણી અને રસ્તા જેવા પાયાના પ્રશ્નો ઉકેલવામાં સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું હોય તેમ જણાય છે.

આ સમાચાર શેર કરો