ગંદકીથી ત્રાસેલા વોર્ડ નંબર-6ના સ્થાનિકોએ અંજાર નગરપાલિકા સંકુલમાં કચરો ઠાલવ્યો
સફાઈ પખવાડિયાના નામે અંજાર નગરપાલિકા દ્વારા સાવરણો લઈ સફાઈના

સફાઈ પખવાડિયાના નામે અંજાર નગરપાલિકા દ્વારા સાવરણો લઈ સફાઈના નાટક કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ શહેરની સોસાયટીઓમાં કચરાના ગંજ જામી ગયેલા હોવા છતાં ત્યાં સફાઈ કરવામાં ન આવતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
25 દિવસથી વોર્ડમાં સફાઈ જ નથી કરાઈ- સ્થાનિકોને આક્ષેપ
અંજાર નગરપાલિકા દ્વારા સફાઈ કોન્ટ્રાક્ટરને ખાસ સાચવવામાં આવતા હોવાનો અગાઉ આક્ષેપો થઈ ચૂક્યા છે. ઠેકેદાર કામ કરે કે ન કરે તેને મહિને બિલ મળી જતું હોવાથી અને પદાધિકારીઓનો માનીતો હોવાથી અંજારમાં સફાઈ બાબતે અનિયમિતતા દેખાઈ રહી છે. ત્યારે વોર્ડ નં. 6ના રહેવાસીઓ છેલ્લા ૨૫ દિવસથી સતત રજૂઆતો કરી રહ્યો હોવા છતાં સફાઈ કરવામાં ન આવતા કચરાને ટ્રેક્ટરમાં ભરી સ્થાનિકોએ પાલિકા કચેરીમાં જ ઠાલવી નાખ્યો હતો.
ટ્રેક્ટરમાં કચરો ભરીને પાલિકાની કચેરીના સંકુલમાં ઠાલવ્યો
વોર્ડ નં. 6 ના ચિત્રકૂટ વિસ્તારમાં છેલ્લા ૨૫ દિવસોથી કચરાનો ભરાવો થઈ રહ્યો હોવાથી સ્થાનિકો દ્વારા 3 વખત પાલિકામાં લેખિત રજૂઆત કરી છે. આ ઉપરાંત અનેક વખત સ્થાનીક નગરસેવકને ફોન કરી ફરિયાદ કરી હોવા ઉપરાંત સફાઈ કોન્ટ્રાક્ટર વતી કામ કરતાં વ્યક્તિને પણ ફોન કર્યા છે, પરંતુ દર વખતે એક-બીજાના નંબર આપી બીજા પર જવાબદારી ઢોળી કચરો ઉઠાવવામાં આવતો ન હોવાથી સ્થાનિક યુવાનોએ ટ્રેક્ટરમાં કચરો ભરી પાલિકા કચેરીના પ્રાંગણમાં જ ઠાલવી નાખ્યો હતો.






