સુરતમાં ગણપતિની મૂર્તિ પર પથ્થરમારા બાદ તોફાન મચાવનારા 23ના રિમાન્ડ પૂર્ણ, કોર્ટે ધકેલ્યા કસ્ટડીમાં
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો થયા બાદ તોફાન ફાટ્યું હતું. આગજનીન

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો થયા બાદ તોફાન ફાટ્યું હતું. આગજનીના બનાવો થયા હતાં. જેમાં પોલીસે 28 આરોપીઓને ઝડપી લીધા હતાં. પકડાયેલા આરોપીઓમાંથી 23ના રિમાન્ડ આજે પૂર્ણ થતાં તમામને કોર્ટમાં વધુ રિમાન્ડ મારે રજૂ કરવામાં આવ્યા હતાં. જો કે, કોર્ટે વધુ રિમાન્ડ ન આપતાં જેલ કસ્ટડીમાં ધકેલ્યા છે.
12ની સઘન પૂછપરછ
પોલીસ ચોકી નજીક પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા અલગ ટીમ બનાવીને સતત તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આ હિંસા પ્રવૃત્તિ મામલે 200 થી વધુ લોકોની શોધખોળ કરી રહી છે. આ તમામ લોકો પોલીસના વિડીયોગ્રાફર અને સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. 23 આરોપીમાંથી 12 જેટલા આરોપીઓ એવા છે, જેમની સધન પૂછપરછ રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા સતત કરવામાં આવી હતી.
કોર્ટમાં રજૂ કરાયા
રિમાન્ડ દરમિયાન અનેક પ્રશ્નો તેમને પૂછવામાં આવ્યા હતાં. જો કે, અમૂક સવાલોના જવાબ મેળવવાના બાકી હોવાથી આરોપીઓને સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ વધુ રિમાન્ડની માગ કોર્ટે નકારીને તમામને લાજપોર જેલમાં કસ્ટડી માટે મોકલી અપાયા હતાં.






