ગુજરાતના ૪ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ; ૨૪ કલાકમાં ૧૯ તાલુકા ભીંજાયા
Gujarat Rain and Weather News : ગુજરાતમાં આ વખતે ચોમાસુ મોડુ પડ્યુ છે ત્યારે પ

Gujarat Rain and Weather News : ગુજરાતમાં આ વખતે ચોમાસુ મોડુ પડ્યુ છે ત્યારે પ્રિ મોનસૂન એક્ટિવિટી વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, 23 જૂનના રોજ એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. માહિતી અનુસાર, ડાંગ જિલ્લો અને સૌરાષ્ટ્રનું ગોંડલ વરસાદનું મુખ્ય કેન્દ્ર રહ્યા છે, જ્યાં 2 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે.
4 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતના હવામાન વિભાગની નાઉ કાસ્ટ આગાહી અનુસાર સવારના સાત વાગ્યાથી દસ વાગ્યાની વચ્ચે આજે રાજ્યના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. જ્યારે બીજી બાજુ સુરત, નવસારી અને વલસાડ જિલ્લા અને દમણ તથા દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
આ વિસ્તારોમાં નોંધાયો સૌથી વધુ વરસાદ
રાજ્યમાં ગઈકાલે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ ડાંગના આહવા અને રાજકોટના ગોંડલમાં નોંધાયો છે:
ડાંગ: જિલ્લામાં સૌથી વધુ 68 મિલીમીટર (2.68 ઇંચ) વરસાદ નોંધાયો છે. અહીં મુખ્યત્વે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન 2 ઇંચ જેટલો ભારે વરસાદ તૂટી પડ્યો હતો.
ગોંડલ (રાજકોટ): ગોંડલ તાલુકામાં 54 મિલીમીટર (2.13 ઇંચ) વરસાદ ખાબક્યો છે. ગોંડલમાં રાત્રે 6 થી 8 વાગ્યાના સમયગાળામાં જ મોટો ભાગનો (46 મીમી) વરસાદ નોંધાયો હતો.
કપરાડા (વલસાડ): દક્ષિણ ગુજરાતના કપરાડામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જ્યાં કુલ 37 મિલીમીટર (1.46 ઇંચ) વરસાદ નોંધાયો છે. અહીં બપોરે 2 થી 4 વચ્ચે 25 મીમી વરસાદ પડ્યો હતો.
જ્યારે રાજકોટના કોટડા સાંગાણી, તાપીના ઉકાઈ, છોટાઉદેપુરના કાવંત તથા બોટાદના રાણપુરમાં એક ઈંચથી ઓછું વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વખતે ચોમાસું ગુજરાત તરફ પહોંચવામાં નબળું સાબિત થયું છે અને સમય કરતા ઘણું મોડું પડી ગયું છે જેને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. જોકે હવે મુંબઈમાં વરસાદનું આગમન થઇ જતાં ગુજરાતમાં વહેલી તકે મેઘરાજાની શાનદાર સવારી જોવા મળશે તેવી આશા વધી ગઈ છે.








