VIDEO: જેતપુરમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા ગોઠણસમા પાણી
રાજકોટના જેતપુરમાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાનું જોરદાર બેટિંગ જોવા મળ્યું છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય બફારા અને ઉકળાટ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેતપુરના સરદાર ચોક, ટાકુડી પરા, ફૂલવાડી અને બસ સ્ટેન્ડ રોડ સહિતના તમામ મુખ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદને પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ ધરતીપુત્રોમાં પણ ભારે ખુશીનો માહોલ છે. જોકે, આ ધોધમાર વરસાદ આફત પણ લઈને આવ્યો છે. જેતપુરના મુખ્ય માર્ગો પર નદીઓની માફક પાણી વહેતા થયા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ટાકુડી પરા વિસ્તાર જળબંબાકાર થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. પહેલા જ વરસાદી રાઉન્ડમાં આ પ્રકારે પાણી ભરાતા જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા કરાયેલા પ્રિ-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ પર સ્થાનિકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

