રાજકોટમાં સનસનાટી: મવડી પાળ રોડ પર પાર્ક કરેલી કારમાંથી રહસ્યમય હાલતમાં મળ્યો મૃતદેહ

Rajkot news: રંગીલા રાજકોટના મવડી પાળ રોડ પર આવેલી ગોલ ટ્વીન બિલ્ડિંગ પાસે આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં છેલ્લા બે દિવસથી પાર્ક કરેલી એક શંકાસ્પદ કારમાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ આ મામલો બહાર આવ્યો હતો.
જાણો આખો મામલો
મવડી પાળ રોડ પર ગોલ ટવિન બિલ્ડિંગ પાસે એક કાર છેલ્લા 48 કલાકથી બિનવારસી હાલતમાં પડી હતી. આજે કારમાંથી ભારે દુર્ગંધ ફેલાતા આસપાસના લોકોએ પોલીસને બોલાવી હતી. પોલીસે કાર ખોલીને તપાસ કરતા અંદરથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.
ઝેરી દવા પીધી હોવાની આશંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે વ્યક્તિએ કારની અંદર જ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હોઈ શકે છે. જો કે, મૃત્યુનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસે કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે મૃતકની ઓળખ મેળવવા અને તેના પરિવારજનોનો સંપર્ક કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

