Rajkot news: રાજકોટ ACBની મોટી ટ્રેપ: રેસકોર્સ ગ્રાઉન્ડમાં CGSTનો વર્ગ-2નો અધિકારી 5000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Rajkot news: ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહેલી ગુજરાત એસીબીએ આજે રાજકોટના જાણીતા રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક સફળ ટ્રેપ ગોઠવીને સેન્ટ્રલ જીએસટી (CGST) ના વર્ગ-2ના અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર, 'BIXPORT' નામની એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કંપનીના માલિકે પોતાની પેઢીના વેરિફિકેશન માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. આ વેરિફિકેશનના અંતિમ રિપોર્ટ માટે CGSTના વર્ગ-2ના અધિકારી ધર્મેન્દ્ર સરયુપ્રસાદ યાદવે કંપનીના માલિક પાસે લાંચની માંગણી કરી હતી. ગઈકાલે આ લાંચ અંગેની વાતચીત થઈ હતી અને અંતે 5000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
રેસકોર્સમાં જ બિછાવી જાળ
લાંચની રકમ આપવા માટે અધિકારીએ ફરિયાદીને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં બોલાવ્યા હતા. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીની ટીમે પૂર્વ આયોજિત જાળ બિછાવી હતી. જેવી જ અધિકારી ધર્મેન્દ્ર યાદવે ફરિયાદી પાસેથી 5000 રૂપિયાની રોકડ રકમ સ્વીકારી, કે તુરંત જ એસીબીના અધિકારીઓએ ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસ કાર્યવાહી
એસીબીએ હાલ લાંચની રકમ જપ્ત કરી આરોપી અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સરકારી કચેરીઓમાં ફફડાટ મચી ગયો છે.

