Rajkot News: હોસ્પિટલમાં બોગસ મેડિક્લેમ પાસ કરાવવાના પ્લાનનો પર્દાફાશ, પાંચ લોકોની ધરપકડ

રાજકોટમાં સમર્પણ હોસ્પિટલમાં બોગસ મેડિક્લેમ પાસ કરાવવા મામલે ગાંધીગ્રામ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. 40 લાખ રૂપિયાનો બોગસ મેડિક્લેઇમ પાસ કરાવવા મામલે ફરિયાદ નોંધાતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.
શું છે સમગ્ર ઘટના?
રાજકોટ પશ્ચિમના ACP રાધિકા ભરાઇએ આ સમગ્ર ઘટનાને લઇને ખુલાસો કર્યો છે. ACPએ જણાવ્યું કે, "ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઇંશ્યોરન્સ ક્લેમ ખોટી રીતે મેળવવા માટે ખોટા દસ્તાવેજો બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરી ઇંશ્યોરન્સ ક્લેમની ફાઇલ મુકવામાં આવી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઇંશ્યોરન્સ ક્લેમ કરનાર વ્યક્તિ મયુરે 40 લાખનોક્લેમ કર્યો હતો. આ ગુનાના બીજા આરોપી અંકિત, જેને મયુરના ફિઝિયોથેરેપિસ્ટની ઓળખ હતી અને મયુર સાથે મળી ઇંશ્યોરન્સ ક્લેમ પાસ થાય તો અંકિતે 10 લાખ લેવાના હતા. અંકિતે અન્ય આરોપીઓની મદદથી ખોટા MRI રિપોર્ટ બનાવ્યા હતા. હોસ્પિટલની ખોટી ફાઇલ અને ખોટા સર્ટિફિકેટ બનાવડાવ્યા હતા. ત્રીજા આરોપી ભાવિક માંકડ જે સમર્પણ હોસ્પિટલમાં નોકરી કરે છે અને હોસ્પિટલની ખોટી ફાઇલ બનાવવા મદદ કરી હતી. મયુર હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે રાત્રે તેને જવા દઇ સવારે ડૉક્ટર આવે તેવી વ્યવસ્થા ભાવિક દ્વારા કરવામાં આવી હતી. ચોથા આરોપી હિતેશ રવૈયાને ખોટા MRI રિપોર્ટ બનાવવા માટે અંકિત દ્વારા કહેવામાં આવ્યું હતું જેના માટે હિતેશે 5 હજાર રૂપિયા લઇ આ ગુનાના પાંચમા આરોપી હિમાંશુને 2500 રૂપિયા આપી ખોટા MRI રિપોર્ટ બનાવડાવ્યા હતા."
વધુમાં તપાસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટીએ પહેલા બે વ્યક્તિ વિરૂદ્ધ ગુનો દાખલ થયો હતો તે બાદ ત્રણ વ્યક્તિની સંડોવણી ખુલતા તેમની અટક કરવામાં આવી છે. સમર્પણ હોસ્પિટલમાં ડૉક્ટર, સંચાલક કે મેનેજમેન્ટની સંડોવણી સામે આવશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

