Rajkot news: જેતપુરમાં રેલવે ફાટક બંધ કરાતા સ્થાનિકોમાં આક્રોશ, મહિલાઓનો 'રેલ રોકો' આંદોલનનો પ્રયાસ

રાજકોટ જિલ્લાના જેતપુરના ધોરાજી રોડ ખાતે રેલવે તંત્ર દ્વારા વર્ષો જૂનો ફાટક બંધ કરી દેવાતા સ્થાનિક રહીશોની મુશ્કેલી યથાવત છે. ઓવરબ્રિજ બન્યા બાદ આ ફાટક બંધ કરાતા હજારો લોકોને લાંબો ચકરાવો લેવાની ફરજ પડી રહી છે. આ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા આજે રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ રેલવે ટ્રેક પર બેસીને 'રેલ રોકો' આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.
ફાટક બંધ થવાથી સ્થાનિકોને હાલાકી
મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પોતાનો વિરોધ નોંધાવવા રેલવે ટ્રેક પર જ બેસી ગયા હતા. સ્થાનિકોનો આરોપ છે કે ફાટક બંધ થવાથી દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં, બાળકોને સ્કૂલે મોકલવામાં અને વૃદ્ધોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે.
'રેલ રોકો' ના આ કાર્યક્રમની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે આંદોલનકારી મહિલાઓની રજૂઆતો સાંભળી હતી અને તેમને કાયદાકીય પ્રક્રિયા સમજાવી ટ્રેક પરથી હટી જવા માટે સમજાવટ કરી હતી. સ્થાનિક અગ્રણીઓએ પણ મધ્યસ્થી કરી લેખિતમાં રજૂઆત કરવા જણાવ્યું હતું.
પોલીસની દરમ્યાનગીરીથી મામલો થાળે પડ્યો
આ રેલ રોકો આંદોલન દરમિયાન પોલીસની સમયસર દરમિયાનગીરી અને સમજાવટ બાદ તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી મળતા મહિલાઓએ ટ્રેક પરથી પોતાનું આંદોલન સમેટી લીધું હતું. જોકે, તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની ફાટક ખોલવાની માંગ ટૂંક સમયમાં નહીં સ્વીકારાય, તો તેઓ ફરીથી ઉગ્ર આંદોલન કરશે.તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

