વીજ થાંભલા અને મોંઘવારી મુદ્દે ઉપલેટામાં ખેડૂતોનો ચક્કાજામ
સોર્સ : gstv
ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ સતત ચિંતાજનક બની રહી છે. એકતરફ વરસાદ ખેંચાવાને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ છે, તો બીજી તરફ મોંઘા બિયારણ અને ખાતરના ભાવવધારાએ જગતના તાતની આર્થિક કમર તોડી નાખી છે. આ મુશ્કેલીઓમાં વધારો કરતાં, ખેતરોની વચ્ચેથી પસાર થતી હેવી વીજ લાઈનના વિશાળ થાંભલાઓ ખેડૂતો માટે 'પડ્યા પર પાટુ' સમાન સાબિત થઈ રહ્યા છે, જેનાથી ખેતીલાયક જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે.આ ગંભીર અને પડતર મુદ્દાઓ સામે આક્રોશ વ્યક્ત કરવા માટે આજે ઉપલેટા ખાતે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. તેમણે સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવવા ચક્કાજામ કર્યો હતો, જેને પગલે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ખેડૂતોએ તેમના હકો અને ન્યાય માટે સૂત્રોચ્ચાર કરીને વહેલી તકે યોગ્ય વળતર અને સહાયની માંગ કરી છે.

