રાજકોટમાં ધોળા દિવસે 27 વર્ષીય યુવકની ઘાતકી હત્યા, પત્નીએ ભાઈઓ પર લગાવ્યો આરોપ

રાજકોટમાં ધોળા દિવસે 27 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલા કોલેજીયન પાન પાસે આ હત્યાની ઘટના બની હતી. અજાણ્યા શખ્સે વિમલ વાણીયા નામના યુવક સાથે બોલાચાલી કર્યા બાદ તેના પર છરી વડે હુમલો કર્યો હતો.
મળતી માહિતી મુજબ, વિમલ વાણીયા પર આરોપીએ એક બાદ એક છરીના ઘા ઝીંકતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે વિમલને મૃત જાહેર કર્યો હતો.
સાત વર્ષ પહેલાં કર્યા હતા પ્રેમ લગ્નવિમલ વાણીયાએ સાત વર્ષ પહેલાં જસદણ પંથકની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકની પત્નીએ પોતાના ભાઈઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. મૃતકની પત્નીના આક્ષેપ મુજબ, તેના ભાઈઓએ વિમલ સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
પોલીસે તપાસ શરૂ કરીઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતકના સાળા કમલેશ ઉર્ફે કાનો રબારી સહિતના લોકોની સંડોવણી અંગે તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા ઘટનાસ્થળના CCTV ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. હત્યા પાછળનું કારણ શું હતું અને હુમલામાં ચોક્કસ કોણ સામેલ હતું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

